રાજકોટ: તાજેતરમાં જ જામનગરમાં એક ત્રણ માળનું હાઉસિંગ બોર્ડનું બિલ્ડીંગ ધરાશાયી થવાના કારણે ત્રણ લોકોના મોત નિપજ્યા ઘટના સામે આવી હતી. જેને પગલે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર પણ જાગ્યું હતું. અને શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી આવાસ યોજના હાઉસિંગ બોર્ડ ક્વોટર સહિતના જર્જરિત મકાન અંગેનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
કનેક્શન કાપી નાંખ્યા: કોર્પોરેશન દ્વારા શહેરના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ ઉપર આવેલ શહીદ ભગતસિંહ ગાર્ડન નજીક ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ બે જેટલી રહેણાંક બિલ્ડિંગના સ્થાનિકોને નોટિસ પાઠવી ને તાત્કાલિક આ મકાન ખાલી કરવાની સૂચના આપી છે. જ્યારે કોર્પોરેશન દ્વારા આ આવાસ યોજનાના ક્વાર્ટરમાં પાણી અને ડ્રેનેજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે. જોકે, લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવી રહ્યા છે.
24 જેટલા ફ્લેટને નોટિસ: રાજકોટમાં વર્ષો પહેલા ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ યુનિવર્સિટી રોડ પર બિલ્ડીંગ બનાવવામાં આવી હતી. જે બિલ્ડીંગ હાલ ભયજનક સ્થિતિમાં હોય જેને પગલે રાજકોટ કોર્પોરેશન દ્વારા બ્લોક નંબર 65 અને 66ના 24 જેટલા ફ્લેટ ધારકોને તાત્કાલિક ધોરણે આ મકાન ખાલી કરવા માટેની નોટિસ પાઠવી છે. આ સાથે જ કોર્પોરેશનની ટીમ દ્વારા આ બંને બ્લોકના પાણીના કનેક્શન અને ડ્રેનેજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે. તેમજ હવે આ મામલે પીજીવીસીએલ દ્વારા પણ વીજ કનેક્શન ટૂંક સમયમાં કાપી નાખવામાં આવશે. ઉલ્લેખનીય છે આ ફ્લેટમાં વર્ષોથી અલગ અલગ પરિવાર વસવાટ કરે છે. એવામાં કોર્પોરેશન દ્વારા અચાનક આજે પાણીનું કનેક્શન અને ડ્રેનેજનું કનેક્શન કાપી નાખવામાં આવતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા.
" કોર્પોરેશન દ્વારા 65 અને 66 નંબર બ્લોકમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે આ કોર્પોરેશનની ટીમ દ્વારા નળ કનેક્શન, લાઈટ અને ડ્રેનેજનું કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું છે. હાલમાં ચોમાસાની ઋતુ શરૂ છે અને વરસાદ પણ ચાલુ છે. એવામાં કોર્પોરેશન તંત્ર દ્વારા અમને તાત્કાલિક મકાન ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. અમારે નાના નાના બાળકો છે અને અમે લોકોના ઘરે ઘરકામ કરીને અમારું ગુજરાન ચલાવીએ છીએ. એવામાં તંત્ર દ્વારા અમને મકાન ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે તો અમારે હવે કયા જાવું-- કંચનબેન વાઘેલા (સ્થાનિક)
કડક પગલાં: વધુમાં સ્થાનિક કંચનબેન વાઘેલાએ કહ્યું કે અમારી માંગણી છે કે રાજકોટમાં અન્ય જગ્યાએ પણ હાઉસિંગ બોર્ડના મકાન બનાવેલા છે. તો અમને ત્યાં મકાન આપવામાં આવે અથવા તો અમને તંત્ર દ્વારા ભાડું ચૂકવવામાં આવે. તંત્રએ અમારી સાથે ન્યાય કરવો જોઈએ. હાલ કોઈપણ અધિકારીઓ અમારી સાથે નથી. તો બીજી બાજૂ જોવા જઇ તો તંત્ર પણ સ્થાનિકોને હેરાન કરવા માગતા નથી પરંતુ લોકોની જ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે.