રાજકોટઃ રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્વારા બે વર્ષની સજા સંભળાવામાં આવી છે. જે મુદ્દે કોંગ્રેસ દ્વારા શહેરના ત્રિકોણબાગ ખાતે પોલીસ મંજૂરી વગર મૌન ધરણા યોજવામાં આવ્યા હતા. જેમાં શહેર કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ ધરણા કાર્યક્રમ શરૂ કર્યો એવામાં પોલીસ દ્વારા ધરણા યોજનાર તમામ કોંગી નેતાઓ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. તમામને એ ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા અચાનક ધરણાનો કાર્યક્રમ યોજવાને લઈને લઈને ત્રિકોણબાગ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Rahul Gandhi: શુ છે ચાર વર્ષ જૂનો કેસ? જેમાં રાહુલ ગાંધીને કરાઈ 2 વર્ષની સજા
15થી વધુની અટકાયત: રાજકોટ કોંગ્રેસ દ્વારા આજે શહેરના ત્રિકોણબાગ ખાતે લોકશાહી બચાવોની માંગ સાથે મૌન ધરણા યોજવામાં આવ્યા હતા. ખાસ કરીને વધતી મોંઘવારી, પેપર લીક કાંડ, સરકારી ભરતીમાં ગેરરીતિ સહિતના અનેક મુદ્દાઓ સાથે આ ધરણા યોજાયા હતા. જેમાં રાજકોટ કોંગ્રેસના નેતાઓ તેમજ મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી સહિતના કોંગી નેતાઓ પણ જોડાયા હતા અને મૌન રાખીને ધરણા પર બેઠા હતા. જ્યારે કોંગ્રેસ દ્વારા ધરણા યીજવામાં આવ્યા હોવાની જાણ પણ પોલીસને થતા પોલીસનો કાફલો મોટાપ્રમાણમાં ત્રિકોણબાગ ખાતે આવી પહોંચ્યો હતો. ધરણા યોજનાર તમામ કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
ભાજપ પર આક્ષેપ: આ અંગે રાજકોટ કોંગ્રેસના નેતા ગોપાલ અનડકરે વાતચીત દરમિયાન ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર સરકારી ખાતાનો ઉપયોગ કરીને યેનકેન પ્રકારે લોકોના અવાજ દબાવે છે. જ્યારે પેપર કાંડ થાય, અદાણી અને કિરણ પટેલ મામલે હજુ સુધી સરકારનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. હાલ દેશ ખતરા તરફ જઈ રહ્યો છે. એવામાં વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં દેશની જનતા ભાજપ પક્ષને 50 બેઠકો પણ નહીં આપે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલ મૌન ધરણા કાર્યક્રમમાં પ્રદેશ કક્ષાના કોંગ્રેસના એકપણ નેતાઓ ઉપસ્થિત રહ્યા ન હતા.