રાજકોટ : હાલમાં ચીનમાં નવો વાયરસ જોવા મળ્યો છે જેમાં બાળકો અને વૃદ્ધો સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ભારત સરકારે પણ આ નવા વાયરસને લઈને વિવિધ રાજ્યોના આરોગ્ય તંત્રને એલર્ટ રહેવાની સૂચનાઓ જાહેર કરી છે. જેના ભાગરૂપે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ વિવિધ વિભાગના વડાઓ અને હોસ્પિટલ તંત્ર દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી.
200 બેડની વ્યવસ્થા : આ બેઠકમાં આગામી સમયમાં સંભિવતપણે આવી શકે તેવા આ નવા રોગની સામે કયા પ્રકારની સારવાર કરી શકાય અને તેને પહોંચી શકાય તે તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે આ નવો વાયરસ મુખ્યત્વે બાળકોમાં વધુ જોવા મળી રહ્યો છે. જેને લઇને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કેટી ચિલ્ડ્રન વિભાગમાં 200 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે તબીબોનું કહેવું છે કે હાલ આ બીમારીથી ડરવાની જરૂર નથી
સરકાર દ્વારા ચીનમાં આવેલ નવા રોગચાળા મામલે ગ્રાઇડ લાઈન જાહેર કરી છે. જો કે આ રોગચાળાથી કોઈએ હાલ ગભરાવાની જરૂર નથી. પરંતુ સરકાર દ્વારા આગામી સાવચેતીના ભાગરૂપે કહેવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને રાજકોટ સિવિલ હોસ્પિટલના 30 જેટલા વિભાગોના વડાઓ, નર્સિંગ સ્ટાફ સહિતના અધિકારીઓ સાથે એક બેઠક કરવામાં આવી હતી. તેમજ આ રોગચાળા મામલે ચર્ચા કરવામાં આવી હતી પરંતુ આ પ્રકારની તૈયારીઓ અમે ગત અઠવાડિયાથી શરૂ કરી છે. જેમાં ઓક્સિજન પ્લાન્ટની મોક ડ્રીલ કરવામાં આવી છે...ડો. આર. એસ. ત્રિવેદી ( સિવિલ સુપરિન્ટેન્ડન્ટ, રાજકોટ )
સૌથી વધુ અસર બાળકોમાં જોવા મળી : સિવિલ સુપરિન્ટેન્ડન્ટે વધુમાં જણાવ્યું હતું કે ચીનમાં હાલ જે પ્રકારે રોગચાળો જોવા મળ્યો છે. તેમાં મુખ્ય લક્ષણો બાળકોમાં જોવા મળ્યા છે. જેમાં સામાન્ય તાવ, શરદી, ઉધરસ અને ત્યારબાદ ન્યૂમોનિયાની અસર થાય છે એટલે કે તે સીધું શ્વસનતંત્ર સાથે સંકળાયેલું છે. જેને લઇને સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સહિતની સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ હોસ્પિટલમાં કેડી ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે 200 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમજ હોસ્પિટલમાં રહેલા તમામ સ્ટાફને પણ ટ્રેનિંગ આપવામાં આવશે. જેના કારણે આ બીમારી સામે કયા પ્રકારની ટ્રીટમેન્ટ કરવી તે તમામ બાબતો હોસ્પિટલ સ્ટાફને અવગત કરવામાં આવશે.
ચીનમાં નવા રોગચાળાએ દસ્તક દીધી : ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ બાદ હવે ચીનમાં નવા રોગચાળાએ દસ્તક દીધી છે. જેના ભાગરૂપે ભારત સરકાર પણ એલર્ટ જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આ મામલે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આપને જણાવીએ કે સમગ્ર ચીનમાં શ્વસન સંબંધી બીમારીઓમાં અચાનક વધારો થવાથી કોવિડના શરૂઆતના દિવસો ફરી યાદ કરવામાં આવી રહ્યાં છે. નવા વાયરસથી બીમારીમાં રહસ્યમય ન્યૂમોનિયા તરીકે પણ ઉભરી આવી હતી. નવો વાયરસ ચીનની ઘણી શાળાઓના બાળકોને મોટાપાયે અસર કરી છે પરંતુ ચીન સરકાર દાવો કરે છે કે અત્યાર સુધી કોઈ અસામાન્ય અથવા નવા રોગકારક જીવાણુ મળી આવ્યાં નથી.