રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં તથ્ય પટેલવાળી થતા રહી ગઇ હતી. જેમાં શહેરના રૈયા ટેલીફોન એક્સચેન્જ નજીક આવેલી સોમનાથ સોસાયટીમાં એક સ્કોર્પિયો ચાલક બેફામ રીતે કાર ચલાવતો હતો અને તેને રસ્તામાં ત્રણ જેટલા વાહનો અને એક શાકભાજી વેચનાર ફેરિયાને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ફેરિયાને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માત બાદ ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કોસ્ટેબલ જગદીશભાઈએ મીડિયાને વધુ માહિતી આપી હતી.
અમારી ટીમ ગાંધીગ્રામ પોલીસ મથકની પીસીઆરમાં છે. અમને પોલીસ કંટ્રોલ રૂમમાંથી જાણ કરવામાં આવી હતી કે યુનિવર્સિટી પીસીઆરની મદદમાં તાત્કાલિક તમે અહીંયા પહોંચો. જ્યારે અમે અહીંયા પહોંચ્યા તે પહેલા જ યુનિવર્સિટી પોલીસ મથકની પીસીઆર દ્વારા અકસ્માત સર્જના કારચાલક અને ગાડીની ચાવી આ તમામ વસ્તુઓ પોલીસ મથકે લઈ ગયા હતાં...જગદીશભાઈ(પોલીસકર્મી)
સીસીટીવી વિડીયો બહાર આવ્યાં : રાજકોટ પોલીસે આ મામલે કાર ચાલક સહિત બે લોકોની અટકાયત કરી છે. આ સ્કોર્પિયો કાર ચાલક સોસાયટીમાં રહેલા એક ઘરની દિવાલ સાથે અથડાયો હતો. જો કે ઘટનાને પગલે સ્થાનિકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસ દ્વારા હવે સમગ્ર ઘટનાને લઈને ઊંડી તપાસ હાથ ધરાઈ છે. આ ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે બેફામ કાર ચલાક દિવાલમાં ગાડી અથડાવે છે. જે બાદ આજુબાજુમાં રહેલાં સ્થાનિકો ઘટનાસ્થળ તરફ દોડી આવે છે.
કાર ચાલકો આ વિસ્તારમાં બેફામ : સોમનાથ સોસાયટીમાં બનેલી ઘટના મામલે સ્થાનિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ગાડી ફૂલ સ્પીડમાં અહીંથી નીકળી હતી અને રસ્તા ઉપર એક શાકભાજી વેચનાર ફેરિયા સાથે અકસ્માત સર્જ્યો હતો. આ ફેરિયાને માથાના ભાગમાં ગંભીરતા પહોંચી છે. જેને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યારે આ અકસ્માતમાં ત્રણથી ચાર જેટલા વાહનો આ કાર નીચે આવી ગયા છે અને એક મકાનની દિવાલ ધરાસાઈ થતાં રહી ગઈ છે.
આ ઘટના અગાઉ 8 દિવસ પહેલા પણ આ વિસ્તારમાં ગાડી ધીમી ચલાવવા મુદ્દે એક સ્થાનિકને માથાકૂટ થઈ હતી. જ્યારે મામલે સ્થાનિક સાથે બબાલ કરવામાં આવી હતી અને 10 થી 12 લોકોએ તેને માર માર્યો હતો. જ્યારે અમે સ્થાનિકોએ અહીંયા સ્પીડ બ્રેકર માટેની અરજી કરી છે પરંતુ હજુ સુધી સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યું નથી છેલ્લા બે વર્ષથી અમારી સ્પીડ બ્રેકરની માંગણી છે....સ્થાનિક
યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ : ઉલ્લેખનીય છે કે રાજકોટમાં કાર ચાલક દ્વારા બેફામ કાર ચલાવીને ત્રણથી ચાર જેટલા વાહનોને લેવામાં આવ્યા હતા અને એક શાકભાજીના ફેરિયાને પણ અડફેટે લેવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. એવામાં સ્થાનિકોમાં પણ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ સમગ્ર મામલે હવે યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.