રાજકોટ : રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર આગામી છ મહિના સુધી ખાનગી ટ્રાવેલ્સ બસોને પ્રવેશવાની છૂટ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી છે. જ્યારે આ અગાઉ પોલીસ કમિશનરે દિવસ દરમિયાન માત્ર બપોરે 2થી 5ની છૂટ ખાનગી ટ્રાવેલ્સ બસોને આપવામાં આવી હતી, ત્યારે પોલીસ કમિશનરના આ નિર્ણયના કારણે ખાનગી ટ્રાવેલ્સ એજન્ટો અને ટ્રાવેલ્સના સંચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઈને આજે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સાથે ખાનગી ટ્રાવેલ્સ બસોના સંચાલકો દ્વારા બેઠક યોજવામાં આવી હતી. જેમાં આગામી છ મહિના સુધી રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર ખાનગી ટ્રાવેલ્સ બસોને પ્રવેશવાની છૂટ આપવામાં આવી છે. જેને લઈને ટ્રાવેલ્સ સંચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
પોલીસ કમિશનર દ્વારા આજે નિર્ણય આપવામાં આવ્યો છે તે પબ્લિકના હિતમાં આપવામાં આવ્યો છે. જ્યારે આ બાબતમાં અમે એવું નથી માનતા કે અમારી જીત થઈ છે, પરંતુ પબ્લિકને જે કાંઈ મુશ્કેલીઓ તકલીફો હતી તે દૂર થઈ છે. જ્યારે આ મામલે ભાજપ દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી. જેને લઈને પોલીસ કમિશનર દ્વારા અમને આગામી 6 મહિના માટે શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ખાનગી ટ્રાવેલ્સ બસોને પ્રવેશવાની છૂટ આપવામાં આવી છે. જેના કારણે અમે પોલીસ કમિશનર તેમજ ભાજપ પક્ષનો આભાર માનીએ છીએ. જ્યારે પોલીસ કમિશનર દ્વારા ખાનગી ટ્રાવેલ્સ બસોને છૂટ આપવામાં આવતા એસોસિયનના હોદ્દેદારોએ એકબીજાના મોઢા મીઠા કરાવીને ખુશી વ્યક્ત કરી હતી. - દશરથસિંહ વાળા (પ્રમુખ, ખાનગી ટ્રાવેલ્સ સંચાલક એસો.)
અગાઉ 2થી 5ની છૂટ આપી હતી : રાજકોટમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા અગાઉ શહેરમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર સવારે 8:00થી રાત્રિના 9 વાગ્યા સુધી ખાનગી ટ્રાવેલ્સ બસોને પ્રવેશ બંધી કરી હતી. જે મામલાનો વિવાદ ભારે વકર્યો હતો. તેમજ ખાનગી ટ્રાવેલ્સ એજન્ટો અને સંચાલકો દ્વારા આ મામલે ભાજપના ધારાસભ્યોને રજૂઆત કરી હતી. ત્યારબાદ પોલીસ કમિશનર દ્વારા આ મામલે ખાનગી ટ્રાવેલ્સ બસોને ફરી બપોરના 2થી 5 વાગ્યા સુધી 150 ફૂટ રીંગ રોડ ઉપર પ્રવેશની મંજૂરી આપી હતી, પરંતુ પોલીસ કમિશનરના આ નિર્ણયથી ખાનગી ટ્રાવેલ્સ બસ સંચાલકો સહમત થયાં ન હતા, ત્યારબાદ આજે ખાનગી ટ્રાવેલ્સ બસોના સંચાલકો અને પોલીસ કમિશનર વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ પોલીસ કમિશનર દ્વારા આગામી 6 મહિના માટે ખાનગી ટ્રાવેલ્સ બસોને 150 ફૂટ રીંગ રોડ ઉપર પ્રવેશવાની છૂટ આપવામાં આવી છે.
- Rajkot News : રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સ પ્રતિબંધનો મામલો વકર્યો, પ્રવાસીઓને શહેરની બારોબાર ઉતારવાની ફરજ પડી
- Rajkot News : રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સને બપોરે 2થી 5 પ્રવેશમાં મંજૂરી, છતાં કેમ વિવાદ રોકાયો નથી
- Rajkot News : ગામમાં બસ શરુ થતાં ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ શાળામાં ડગલા માંડશે, ETV BHARATના અહેવાલથી ST તંત્ર જાગ્યું