રાજકોટ: સૌરાષ્ટ્ર ભરના અલગ અલગ વિસ્તારોમાં વીજ ચોરની ઘટનાઓ વધતી જઈ રહી છે. તેવામાં PGVCL દ્વારા છાસવારે વીજ ચેકિંગની ડ્રાઇવ યોજવામાં આવતી હોય છે. છેલ્લા ચાર મહિનામાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી અંદાજિત 82 કરોડની વીજ ચોરી ઝડપાઈ હતી. પીજીવીસીએલની ટીમ દ્વારા આગામી દિવસોમાં હજુ પણ વીજ ચેકિંગની ડ્રાઇવ યોજવામાં આવશે.
82.06 કરોડની વીજ ચોરી: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો PGVCL દ્વારા છેલ્લા ચાર મહિનામાં સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ જિલ્લાઓમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 113719 જેટલા વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 27254 જેટલા વીજ કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાઈ હતી. આમ PGVCL દ્વારા કુલ 82.06 કરોડની વીજ ચોરી ઝડપી લેવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ વીજ ચોરી ભાવનગર જિલ્લામાંથી ઝડપાઈ છે. જ્યાં છેલ્લા ચાર મહિનામાં 15 કરોડની વીજ ચોરી ઝડપાઈ છે.
ચાર મહિના સતત ડ્રાઇવ: ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે વીજ ચોરી થતી હોય છે. જેને રોકવા માટે પીજીવીસીએલની ટીમ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં છેલ્લા ચાર મહિનામાં પીજીવીસીએલની ટીમ દ્વારા રૂપિયા 82 કરોડની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. PGVCL દ્વારા ગત એપ્રિલ, મે, જૂન અને જુલાઈ એમ 4 મહિના દરમિયાન આવી જ ચેકિંગની ડ્રાઇવ યોજવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં વીજ ચેકિંગને લઈને ડ્રાઇવ યોજવામાં આવશે.