રાજકોટ: શહેરની ભાગોળે આવેલા માલિયાસણ નજીક આગામી દિવસોમાં ટોલનાકાનું નિર્માણ થનાર છે. ત્યારેે ટોલનાકા વિરોધ સમિતિના અંદાજીત 100થી વધુ લોકોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારે સુત્રોચ્ચાર સાથે કલેકેટરને આવેદન પાઠવ્યું હતું.
આ સાથે જ જણાવ્યું હતું કે, અમદાવાદ નેશનલ હાઇવેના રાજકોટ બામણબોર સેક્શનને 6 માર્ગીય કરવામાં હાલ માલિયાસણ ગામ પાસે બની રહેલા ટોલનાકાથી રાજકોટના સામાન્ય નાગરીકો, ખેડૂતો તેમજ ઉદ્યોગો માટેના ગેરફાયદા તેમજ ભારે નુકસાની છે. તેમજ ટોલનાકું શહેરના આમ નાગરીકો તેમજ માલિયાસણ પછી અમદાવાદ બાજુ આવતા જીઆઇડીસી માટે તકલીફ રૂપ બનશે.
શહેરના અલગ-અલગ ઉદ્યોગ ઝોનથી આ જીઆઇડીસી સુધીની માલની અવર-જવર પર ટોલની અસર થશે. આ ટોલનાકાથી રાજકોટ શહેરના તમામ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ નુકસાની થશે. શહેરથી માલિયાસણ ગામ પછી આવતી ટ્રાન્સ્પોર્ટની ઓફીસ તથા ગોડાઉનો સુધીની માલની રોજીંદી હેરફેર ઉપર ગંભીર અસર થશે. પરીણામે આ ટોલનાકાનું સ્થળ ફેરવી રૂડા વિસ્તારથી દૂર લઇ જવા માગણી કરી હતી.