રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા અંદાજિત રૂપિયા 150 કરોડના ખર્ચે જૂનું બસ સ્ટેન્ડ તોડી તેની જગ્યાએ નવું બસપોર્ટ બનાવવામાં આવ્યું છે. જેનું શનિવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બસપોર્ટમાં સૌરાષ્ટ્રના સોરઠ, હાલાર, ઝાલાવાડ, ગોહિલવાડની સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે. જ્યારે બીજી તરફ એક એરપોર્ટ પર હોય એવી મલ્ટી પ્લેક્સ, સુપર મોલ્સ, હોટેલ રેસ્ટોરન્ટ જેવી અદ્યતન સુવિધાઓનો પણ મુસાફરોને લાભ મળશે.
સીસીટીવી કેમેરાથી સજ્જ નવા બસ સ્ટેન્ડમાં બનાવવામાં આવેલા 4 માળ પર આશરે 350 જેટલી કોમર્શિયલ શોપ પણ ટૂંક સમયમાં કાર્યરત થશે. મુસાફરો બસ સ્ટેન્ડ પર મનોરંજન માટે સિનેમા, ખાણી પીણીની દૂકાનો, શોપિંગ માટે મોલ્સ વગેરે જેવી સુવિધાઓ મુસાફરોને પુરી પાડવામાં આવશે.