રાજકોટ: આવતીકાલે શરદ પૂનમ છે. શરદ પૂનમની રાતે રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં એક લાખ લોકો એક સાથે ભેગા મળીને ગરબા રમશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માડી ગરબાની રચના કરી છે. આ માડી ગરબા ઉપર રાજકોટના ખેલૈયાઓ આવતીકાલે ગરબે રમશે અને વર્લ્ડ રેકોર્ડ બનાવશે. જેની તૈયારીઓ હાલ શરૂ કરવામાં આવી છે. આ ગરબા ગ્રાઉન્ડની ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને તમામ વ્યવસ્થાની સમીક્ષાઓ કરવામાં આવી હતી.
'આવતીકાલે રાજકોટના આંગણે એક ઐતિહાસિક કાર્યક્રમ યોજાનાર છે. જેમાં દેશની 140 કરોડ જનતા સુધી PM મોદી લીખિત માડી ગરબો પહોંચે તે પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદી જ્યારે પ્રથમ વખત મુખ્યપ્રધાન બન્યા હતા અને ત્યારબાદ તેઓ ધારાસભ્યની ચૂંટણી રાજકોટથી લડ્યા હતા અને રાજકોટવાસીએ તેમને જંગી બહુમતીથી જીતાડીને વિધાનસભા સુધી પહોંચાડ્યા હતા. એવામાં રાજકોટ ભાજપ મહાનગર, રાજકોટ સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ અને ઇનક્રેટિબલ ગ્રુપ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.' - ડો. ભરત બોઘરા, ઉપાધ્યક્ષ, ભાજપ
ત્રણ જેટલા વિશ્વ રેકોર્ડ નોંધાશે: રાજકોટમાં આવતીકાલે યોજનાર ગરબા કાર્યક્રમમાં ત્રણ જેટલી અલગ અલગ વૈશ્વિક સંસ્થાઓ પણ ઉપસ્થિત રહેશે અને ત્રણ અલગ અલગ વર્લ્ડ રેકોર્ડ નોંધાશે. બોલીવુડ સિંગર અને ગરબા કિંગ પાર્થિવ ગોહિલ રાજકોટવાસીઓને ગરબાની મજા કરાવશે. કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને કેબિનેટપ્રધાન ભાનુબેન બાબરીયા સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ ગરબા કાર્યક્રમ દરમિયાન ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહેનાર સૌ યુવાઓને ડ્રગ્સ જેવા નસીલા પદાર્થોથી તેઓ દૂર રહેશે તે પ્રકારના શપથ લેવડાવશે.
હાર્ટએટેકને લઈને તબીબોની ટીમ ખડેપગે: આ સાથે જ તાજેતરમાં જ હાર્ટએટેકના બનાવો વધી રહ્યા છે. જેને લઇને કાર્યક્રમ દરમિયાન 50 જેટલા તબીબો, પેરામેડિકલ સ્ટાફ પણ ખડેપગે જોવા મળશે અને 20 જેટલી એમ્બ્યુલન્સ પણ ગરબા ગ્રાઉન્ડ સ્થળે રાખવામાં આવશે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એક લાખ લોકો ગરબા રમવાના છે અને મોટા પ્રમાણમાં જનમેદની એકઠી થવાની છે. ત્યારે કોઈ પણ પ્રકારના અનિચ્છનિય બનાવ ન બને તે માટે 500 જેટલા સ્વયંસેવકો સાથે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ વડોદરા ખાતે 60 હજાર લોકો એક સાથે મળીને ગરબા રમ્યા હતા અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. એવામાં હવે સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં એક લાખ લોકો એક સાથે મળીને નરેન્દ્ર મોદી લિખીત માડી ગરબા ઉપર ગરબા રમશે. જેને લઇને રાજકોટના ખેલૈયાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.