રાજકોટઃ મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના મામલે આરોપીઓને પકડીને પોલીસ હવાલે કરવામાં આવ્યા છે. ત્યારે આ ઘટનાના મુખ્ય આરોપી એવો જયસુખ પટેલ પણ હવે પોલીસ સકંજામાં છે. ત્યારે જયસુખ પટેલના સમર્થનમાં સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવામાં આવ્યું છે. જ્યારે આ અભિયાનમાં હવે ભાજપના જ પૂર્વ ધારાસભ્ય જોડાયા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલીયાએ જયસુખ પટેલના સમર્થનમાં નિવેદન કરતા રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.
જયસુખના સમર્થનમાં સીદસરધામે પત્ર લખ્યો : મોરબી દુર્ઘટનાના મુખ્ય આરોપી એવા જયસુખ પટેલના સમર્થનમાં ઉમિયા સીદસરધામ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે આપણે સૌ જયસુખભાઈને સમર્થન કરીએ, જ્યારે રૂ.10 - 12ની જે ટિકિટ છે તેનો ખર્ચ પણ ન નીકળે. એવામાં ત્યારે જયસુખ પટેલ ટિકિટના દરમાંથી કમાણી કરતા હોય તે વાત ખોટી છે. આ સાથે જ જયસુખ પટેલની કંપની દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ મેન્ટેનન્સ માટે કરવામાં આવ્યો છે. હાલ આ ઉમિયા સીદસરધામનો પત્ર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. જેને લોકો પણ સમર્થન આપી રહ્યા છે.
આ પણ વાંચો Morbi Bridge Collapse: મોરબી દુર્ઘટનાને પૂર્ણ થયા 3 મહિના, અત્યાર સુધી શું થયું જાણો સમગ્ર ઘટનાક્રમ
પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા જયસુખ પટેલના સમર્થનમાં? : સોશિયલ મીડિયામાં જયસુખ પટેલના સમર્થનમાં વાઇરલ થયેલ પત્ર મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે હું પણ જયસુખ પટેલને સમર્થન કરું છું. સોશિયલ મીડિયામાં જયસુખ પટેલને ખોટા ચિતરવામાં આવ્યા છે. જયસુખ પટેલના સમર્થનમાં ન માત્ર ઉમિયાધામ સીદસર છે પરંતુ અનેક સામાજિક સંસ્થાઓ પણ તેમના સપોર્ટમાં છે. જ્યારે આ મામલે કાયદો કાયદાનું કામ કરશે. ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ ધારાસભ્ય દ્વારા જયસુખ પટેલના સમર્થનમાં નિવેદન આપતા રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.
આ પણ વાંચો Morbi Bridge Collapse: 7 આરોપીની જામીન અરજીની નવી મુદત 4 ફેબ્રુઆરી, કોર્ટ સંભળાવી શકે છે હુકમ
શી હતી ઘટના : મોરબીની શાન સમાન ઝૂલતો પુલ 30 ઓક્ટોબર 2022ના દિવસે તૂટી પડ્યો હતો. હવે આ દુર્ઘટનાને ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો છે. આ કેસમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલની પણ ધરપકડ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે સમારકામ બાદ નવા વર્ષે આ બ્રિજ લોકો માટે ખૂલ્લો મુકાયો હતો. ત્યારબાદ માત્ર 6 જ દિવસમાં આ બ્રિજ તૂટી પડતાં 130થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતાં.
5 દિવસ સુધી રેસ્ક્યુ વર્ક ચાલ્યું હતું : 30 ઓક્ટોબરની સાંજે સાંજે ઝૂલતો પુલ તૂટી પડતા રાત્રિના રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના અગ્રણીઓ દોડી ગયા હતા. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપી હતી. તેમ જ પૂલ તૂટી પડતા નીચે નદી હોવાથી પાણીમાં અનેક લોકો પડ્યા હતાં જેથી 5 દિવસ સુધી રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન કરીને વધુ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતાં.