રાજકોટઃ જિલ્લાના શાપર વેરાવળમાં પરપ્રાંતીયોના 1 હજારથી વધુનું ટોળું વિફર્યું હતું. જેને રાજકોટ પોલીસ અને પત્રકાર પર પથ્થરમારો કરીને રાજકોટ હાઇવેને ચક્કાજામ કર્યો હતો. આ સાથે જ ટોળાએ રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહનોમાં તોડફોડ કરી હતી. આ ટોળું એટલું ઉગ્ર બન્યું હતું કે, ઘટના સ્થળે પહોંચેલા રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણા પર પણ પથ્થરમારો કરીને તેમને ઇજા પહોંચાડી હતી.
શ્રમિકો એટલા ઉશ્કેરાયા કે તેઓએ ઘટના સ્થળે પહોંચેલા જિલ્લા પોલીસવડા અને સ્થાનિક પત્રકાર પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં કેટલાક પોલીસ કર્મીઓ અને એક પત્રકાર ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. આ મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 29 લોકોની ધરપકડ કરી છે.
આ મામલે રાજકોટ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને ટોળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધીને 29 જેટલા પરપ્રાંતીયોની અટકાયત કરી હતી. જ્યારે 100થી 200 લોકોના ટોળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલો એવો હતો કે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા શાપર વેરાવળના શ્રમિકો માટે પણ રેલવે સ્ટેશન સુધી જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં એક ટ્રેન બિહાર અને બીજી ટ્રેન યુ.પી. જવાની હતી, પરંતુ કોઈ કારણસર આ ટ્રેનના સમયમાં ફેરફાર થતા પરપ્રાંતીયોમાં અફવા ફેલાઈ હતી કે, તેમની ટ્રેન કેન્સલ થઈ છે. આ મામલે રજિસ્ટ્રેશન થયેલા પરપ્રાંતીયો સિવાય અન્ય પરપ્રાંતીયો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતાં અને પ્રથમ રાજકોટ હાઇવે પ્રથમ બ્લોક કર્યો હતો અને ત્યારબાદ આ પરપ્રાંતીયો દ્વારા વાહનોમાં મોટાપ્રમાણમાં તોડફોડ કરવામાં આવી હતી.