રાજકોટ: જેતપુર મહિલા કોન્સ્ટેબલ આત્મહત્યા કેસમાં જેતપુર સિટી પોલીસમાં ફરજ બજાવતા અભયરાજસિંહ જાડેજા નામના કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ છે. જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોલીસ ક્વાર્ટરમાં આત્મહત્યા કરી હતી. આ બનાવમાં સાથી પોલીસ કર્મચારીના વોટ્સેઅપ ચેટ પણ સામે આવ્યા હતા. ત્યારબાદ જેતપુર પોલીસે આત્મહત્યા કરનાર મહિલા કોન્સ્ટેબલ દયાબેનના પિતા શંભુભાઈ સરિયાની ફરિયાદ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પરંતુ આ મામલામાં હજુ પણ સમાજના આગેવાનોમાં અસંતોષ જોવા મળતા ભૂખ હડતાળ પર ઉતાર્યા છે.
કોળી સમાજ દ્વારા ભૂખ હડતાળ: આપઘાતના બનાવમાં હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પરંતુ પોલીસે માત્ર એક જ પોલીસ કર્મચારી અભયરાજસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધતા કોળી સમાજ દ્વારા જેતપુરના તીન બત્તી ચોકમાં ભૂખ હડતાળ શરૂ કરી છે. કોળી સમાજના આગેવાન ચંદુભાઈ મકવાણા અને કોળી સમાજના લોકોએ દ્વારા ભૂખ હડતાળ કરીને જ્યાં સુધી અન્ય બે પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધવામાં નહિ આવે ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રાખશે તેવું જણાવ્યું છે.
હજુ સુધી કોઈની અટકાયત નહિ: જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ દયાબેન સરીયાના આપઘાતના કેસની અંદર મામલો દિવસે ને દિવસે વધતો જતો માલુમ પડતા અંતે પોલીસે મૃતકના પિતાની ફરિયાદ નોંધી છે પરંતુ હજુ પણ આ મામલે કોઈની અટકાયત નથી કરી તેવી પણ વિગતો સામે આવી છે. જેથી સમાજના આગેવાનોમાં હજુ પણ રોષ અને નારાજગી યથાવત જોવા મળી રહી છે.
અન્ય બે પોલીસકર્મી સામે ફરિયાદની માંગ: જેતપુરમાં આ ઘટના બની ત્યારથી લઈને આજ દિન સુધી ત્રણ જેટલા પોલીસ કર્મચારીઓના નામ ખુલ્યા છે. જેમાં પોલીસે સાત દિવસ બાદ એક જ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધતા અને અન્ય બે વ્યક્તિઓની સામે કાર્યવાહી નહીં કરાતા આગેવાનોમાં તેમજ યુવાનોની અંદર રોષ જોવા મળ્યો છે.