રાજકોટ: ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના મહિલા સરપંચ દ્વારા વધતા જતા હાર્ટ એટેકના કેસના કારણે થઈ રહેલાં મૃત્યુને પગલે મૃતક વ્યક્તિના પરિવારને સહાય ચૂકવવાની માંગ સાથે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખી સહાયની માંગ કરી છે, જેમાં મૃતકના પરિવારને આર્થિક સહાય ચૂકવવામાં આવે જેથી પરિવારને આર્થિક મદદ મળે તેવી માંગ આ પત્રમાં કરવામાં આવી છે.
મહિલા સરપંચનો મુખ્યમંત્રીને પત્ર: ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના મહિલા સરપંચ કિરણબેન પુનિતભાઈ બગડાએ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કારણે અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યાં છે. જેથી અચાનક થતાં મૃત્યુના કારણે પરિવારનો મુખ્ય વ્યક્તિ અથવા તો પરિવારનો મુખ્ય કમાવનાર વ્યક્તિ ગુમાવનાર પરિવાર લાચાર બની જાય છે. ત્યારે આવા પરિવારોને આર્થિક સંકળામણ ભોગવવાનો વારો આવે છે, અને તેમની મુસીબતોમાં વધારો થઈ થાય છે. ત્યારે આવું આર્થિક સંકટ દૂર કરી શકવા માટે સરકારને વિનંતી કરી છે કે, મૃત્યુ પામનારના પરિવારને મૃત્યુ સહાય આપવાની જોગવાઈ આપવામાં આવે.
હાર્ટ એટેકની વધતી ઘટનાઓ: મહત્વપૂર્ણ છે કે, વર્તમાન સમયમાં જે રીતે છેલ્લા ઘણા સમયથી દિવસે ને દિવસે હાર્ટ એટેકના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેમાં યુવાનોથી લઈને મોટી ઉંમરના લોકો હૃદય રોગના હુમલાનો બહોળા પ્રમાણમાં ભોગ બની રહ્યા છે, અને હૃદય રોગના કારણે જીવ ગુમાવવાના પણ કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ત્યારે આવા કિસ્સાઓમાં ઘણા કિસ્સાઓની અંદર પરિવારના મોભી અથવા તો મુખ્ય કમાવનાર વ્યક્તિ હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામે છે જેથી તેમના પરિવારને આર્થિક સામાજિક સંકળામણનો ભોગ બનવો પડે છે. તે બાબતે સરકાર દ્વારા મૃત્યું સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ઝાંઝમેરના મહિલા સરપંચે મુખ્ય પ્રધાનને પત્ર લખી લેખિત સહાયની માંગ કરતી રજૂઆત કરી છે.