રાજકોટઃ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને નરેશ પટેલ વચ્ચે બેઠકથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. રાજકારણની ગલીઓમાં અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે. કારણ કે, નરેશ પટેલ લેઉવા પાટીદાર સમાજમાં અનોખું વર્ચસ્વ ધરાવે છે. તેઓ લેવાઉ પાટીદાર સમાજના કુળદેવી ખોડલધામ મંદિરના ચેરમેન પણ છે. દર ચૂંટણી સમયે નરેશ પટેલ કયા પક્ષ સાથે રહેશે તેને લઈને અનેક ચર્ચાઓ ગુજરાતમાં થતી રહેતી હોય છે. કારણ કે નરેશ પટેલ ક્યારેક આમ આદમી પાર્ટીની પ્રશંસા કરતા જોવા મળે છે તો ક્યારેક કૉંગ્રેસ અગ્રણી સાથે ભોજન લેતા હોય છે.
શુભેચ્છા મુલાકાત ગણાવીઃ નજીકના ભવિષ્યમાં લોકસભાની ચૂંટણીઓ થવાની છે. લોકસભાની ચૂંટણી પહેલા નરેશ પટેલ સાથે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે મુલાકાત કરી છે. તેમજ તેમના ફાર્મ હાઉસ ખાતે બપોરે ભોજન પણ લીધું હતું. ત્યારે નરેશ પટેલ અને સીએમની આ બેઠકને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ મામલે નરેશ પટેલે માત્ર વ્યક્તિગત સંબંધોના કારણે મુખ્ય પ્રધાન તેમના નિવાસ્થાને આવ્યા હોવાનું નિવેદન આપ્યું હતું.
મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અમારા નિવાસ્થાને આજે એક શુભેચ્છા મુલાકાતે માટે આવ્યા હતા. આમ તો ગયા મહિને ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવ્યા હતા અને અચાનક જ જૂનાગઢમાં ભારે વરસાદ પડતા તેઓ જૂનાગઢ ખાતે જવા રવાના થયા હતા. ત્યારે તેમનું ઘણા સમયથી અમારે ત્યાં આવવાનું અને ભોજન લેવાનું બાકી રહી જતું હતું. જેને લઈને આજે સમય મળતા તેમણે શુભેચ્છા મુલાકાત લીધી હતી. ખૂબ જ આનંદની વાત છે કે તેઓ અમારા નિવાસ્થાને આવ્યા હતા અને ભોજન ગ્રહણ કર્યું હતું...નરેશ પટેલ(ચેરમેન, ખોડલધામ)
રમેશ ટીલાળાને ટિકિટ અપાવવામાં મુખ્ય ભૂમિકાઃ ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજકોટની દક્ષિણ વિધાનસભા બેઠક પર ઉદ્યોગકાર રમેશ ટીલાળાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી. ટીલાળાને ટિકિટ અપાવવામાં નરેશ પટેલનો મુખ્ય રોલ હોય તેવું માનવામાં આવે છે. ધારાસભ્ય રમેશ ટીલાળાના મતવિસ્તારમાં જન સંપર્ક કાર્યાલયનું લોકાર્પણ મુખ્ય પ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ સીએમ અને ખોડલધામ ચેરમેન નરેશ પટેલ વચ્ચે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે રમેશ ટીલાળા પણ અગાઉ ખોડલધામના ટ્રસ્ટી રહી ચૂક્યા છે. તેમજ તેઓને વિધાનસભાની ચુંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવતા તેમને ખોડલધામના ટ્રસ્ટ પદેથી રાજીનામું આપ્યું હતું.