ગોંડલના ટાઉનહોલમાં ચાલી રહેલ જાદુના શોમાં સરેઆમ GST ટેક્સને ટીકીટમાંથી ગાયબ કરી નાખવામાં આવ્યો હોય અને આ અંગે સરકારી તંત્ર દ્વારા પણ મૌન ધારણ કરાયું હોય શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
નગરપાલિકા તંત્ર દ્વારા રાજ્ય સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી તાજેતરમાં જ અદ્યતન ટાઉન હોલનું નિર્માણ કરાયું છે. આ ટાઉન હોલ નજીવા દરે જાદુગર દ્વારા ભાડે રાખવામાં આવ્યું છે. તે ઉપરાંત લાઈટ બિલથી લઇ અન્ય ખર્ચા પણ નગરપાલિકાની કમર પર તોડાયા હોય જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા તજવીજ હાથ ધરાઇ છે.
ગોંડલ ટાઉન હોલમાં 500 સીટનું સીટીંગ છે, રૂ. 100, 200 અને રૂ. 300 ટીકીટના દર રખાયા છે. સરેરાશ ટીકીટ 200 રૂપિયા ગણવામાં આવે તો રોજ ના રૂ. 1 લાખ નું કલેક્શન થાય અને તેના પર 18 % GSTના રૂ. 18000 થાય અને છેલ્લા 30 દિવસથી જાદુના શો ચાલી રહ્યા હોય, શનિવાર અને રવિવારે ડબલ શો કરવામાં આવી રહ્યા છે. જો ટોટલ 38 શો ગણવામાં આવે તો રૂ. 6,84,000 ની ટેક્સ ચોરી ગણી શકાય તેવી ગણિતજ્ઞમાં ચર્ચાઓ થઈ રહી છે.
જાદુનાં શો દરમિયાન ઈન્ટરવલમાં મેઈન દરવાજા ઉપર તાળુ મારી દેવામાં આવે છે. જેથી પ્રેક્ષકોને નાસ્તા માટે ફરજીયાત અંદર રાખેલી કેન્ટીનમાંથી બમણા ભાવથી પોપ કોર્ન, વેફર, ઠંડા પીણા, પફ વગેરે ખરીદવાની ફરજ પડી રહી છે. આ અંગે તંત્ર દ્વારા તાપસ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.