રાજકોટઃ મોંઘવારીનો માર સહન કરતી જનતા પર વધુ એક બોજો પડ્યો છે. ત્યારે હવે ફરી એક વાર ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. આ સાથે જ છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં 90 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. આના કારણે મધ્યમ અને સામાન્ય વર્ગના લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં એકાએક 90 રૂપિયા જેવો ભાવવધારો થવાના કારણે વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.
આ પણ વાંચોઃ ગૃહિણીઓનું બજેટમાં હળવાશ, રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં નોંધાયો ઘટાડો
છેલ્લા ત્રણ દિવસમાં 90 રૂપિયાનો ભાવવધારોઃ સિંગતેલમાં ભાવવધારાના કારણે 15 કિલોનો ડબ્બો હાલ 2,950 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં ભારતમાંથી ચીનમાં સિંગતેલની નિકાસ વધી છે. આના કારણે સિંગતેલના ભાવ ઉંચકાયા હોવાનું વેપારીઓ માની રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર ઘટ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આના કારણે સિંગતેલના ભાવમાં સતત ભાવ વધારો નોંધાઇ રહ્યો છે.
બજારમાં સિંગતેલની સતત માગઃ આ અંગે રાજકોટમાં ખાદ્યતેલના વેપારની એજન્સી ધરાવતા ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 3-4 દિવસમાં સિંગતેલના ભાવમાં 80થી 90 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાઈનીઝ માર્કેટમાં સિંગતેલની માગ વધી છે. આના કારણે ભારતમાંથી સિંગતેલની નિકાસ થઈ રહી છે. એવામાં ત્યાં પણ સારો ભાવ મળતા હોવાથી વેપારીઓ અહીંથી સિંગતેલ ખરીદી કરીને ત્યાં મોકલી રહ્યા છે, જેના કારણે આ ભાવ વધારો નોંધાયો છે.
દિવાળી બાદથી સતત ભાવવધારોઃ દિવાળી બાદ કપાસિયા તેલ, પામોલિન તેલ, સનફ્લાવર સહિતના સાઈડ તેલના ભાવ રૂપિયા 150થી લઈને 500 રૂપિયા સુધી ઘટ્યા છે. આની સામે સિંગતેલનો ભાવ રૂપિયા 200થી લઈને 250 સુધી વધ્યો છે. ગત વર્ષની સરખામણીએ, આ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું ઉત્પાદન 3થી 4 લાખ ટન ઓછું જોવા મળી રહ્યું છે. સાથે જ બજારમાં જે મગફળી આવી રહી છે તે મીડિયમ ક્વૉલિટીની આવી રહી છે. આના કારણે સિંગતેલના ભાવ આ વર્ષે ધીમે ધીમે ઉંચકાઈ રહ્યા છે. જ્યારે છેલ્લા 2-3 વર્ષની વાત કરીએ તો, લોકો પણ અન્ય તેલ કરતા સિંગતેલ લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. એટલે તેની માગ વધી રહી છે. તેને પણ ભાવવધારાનું એક મુખ્ય કારણ માની શકાય છે.
સિંગતેલનો ભાવ 2950 રૂપિયા સુધી પહોંચ્યોઃ હાલમાં ખાદ્યતેલના ભાવની વાત કરીએ તો, પામોલીન તેલના જૂના ડબ્બાનો ભાવ 1,550 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. આવામાં પામોલીન તેલનો નવો ડબ્બો 1,680થી રૂપિયા 1700 સુધીનો ભાવ છે. તેની સામે સિંગતેલના ભાવનો 15 કિલોનો ડબ્બો 2,850 રૂપિયાથી લઈને 2,950 રૂપિયાના ભાવમાં મળી રહ્યો છે.