રાજકોટઃ ગોંડલના ભોજરાજપરાની ગલીઓમાં બાળપણ વિતાવી એમબીબીએસની ડિગ્રી સુરેન્દ્રનગરમાં અને એમ.ડી. ની ડિગ્રી યુએસએમાં મેળવી હાલ ન્યૂયોર્કમાં તબીબ તરીકે ફરજ બજાવતા ડોક્ટર ફેનીલ કોટડીયા મોતને મુઠ્ઠીમાં લઈ પોતાના કર્તવ્ય પ્રત્યે નિષ્ઠા દાખવી કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
તેઓએ જણાવ્યું હતું કે, ન્યૂયોર્ક શહેરની હાલત દિવસેને દિવસે બદતર બની રહી છે. જેટલા દર્દી સાજા થાય છે. તેના કરતાં વધારે દર્દી હોસ્પિટલોમાં દાખલ થઇ રહ્યા છે. અમેરિકામાં વસવાટ કરતા ભારતીયો અને ત્યાંના તબીબો ભારત સરકાર દ્વારા લેવાયેલા લોકડાઉનના નિર્ણયને સરાહનીય ગણાવી રહ્યા છે. 134 કરોડથી વધુ વસ્તીવાળા દેશને સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવોએ કોઇ સામાન્ય બાબત નથી.
ફરજ પરથી પરત ફર્યા બાદ દૂધ શાકભાજી અને જરૂરી ચીજવસ્તુઓ ઘરે લાવે છે પરંતુ ઘરમાં પ્રવેશ કરતા નથી દરવાજે મૂકી બાજૂની સોસાયટીમાં જતા રહે છે, એક ડોક્ટર તરીકે સોશિયલ ડિસ્ટન્સનું શું મહત્વ છે તે સમજાવી રહ્યા છે.
વિશ્વના બીજા દેશોની સરખામણીમાં ભારતના લોકોની રોગ પ્રતિકારક શક્તિ સારી છે. જે ભારતનો પ્લસ પોઈન્ટ છે લોકો જો લોકડાઉનનું ચુસ્ત પાલન કરે તો ભારત આ મહામારીમાં આખી દુનિયામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર દેશ બનશે તેવુ અંતમાં જણાવી લોકડાઉનનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.