રાજકોટ : ગોંડલ શહેર તાલુકા ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ નિખિલભાઇ દોંગા ફાઉન્ડર યુદ્ધ એ જ કલ્યાણ ગૃપ દ્વારા કોરોના કહેર અને લોકડાઉનના આ કપરા સમયમાં શહેર કે શહેરના સીમાડાઓની બહાર વસવાટ કરતા શ્રમિક ગરીબ પરિવારો ભૂખ્યા રહી ન જાય તે માટે રોજિંદા બપોરે 4000 વ્યક્તિઓની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી રહી છે.
આ માટે ઉદ્યોગ નગર ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં વહેલી સવારથી જ રોટલી શાક ખિચડી સહિતની વિવિધ વાનગીઓ બનાવવામાં આવી રહી છે. બપોરે 12 વાગ્યે શહેરના વોરાકોટડા રોડ, આવાસ ક્વોટર, વિજયનગર, જેલ પાસેનો વિસ્તાર, આશાપુરા રોડ, મોવિયા રોડ, ઘોઘાવદર રોડ, રૂપાવટી ગામ, સુરેશ્વર મહાદેવ ચોકડી ગંજીવાળા રોડ, મચ્છુમાં ડેરી વિસ્તાર ને આવરી લેવામાં આવી રહ્યો છે.
આ ઉમદા સેવામાં યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપના સેવા ભાવિક યુવકો તનતોડ મહેનત કરી રહ્યાં છે. આ સાથે જ સુરત ખાતેની યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપની બ્રાન્ચમાં પણ બપોર અને સાંજે આશરે 6000 લોકોને ભરપેટ ભોજન કરાવવામાં આવી રહ્યું છે. આ ભોજન પ્રસાદની સેવા લોકડાઉન પૂરું ન થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે તેવું યાદીમાં જણાવાયું છે.
યુદ્ધ એ જ કલ્યાણ ગૃપ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જેમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ, અંગદાન શપથ કેમ્પનો સમાવેશ થાય છે.