રાજકોટઃ હમાસ અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધની વિપરીત અસર સોનાના ભાવ પર થઈ છે. અત્યારે સોનુ ઓલ ટાઈમ હાઈ 64,000 પર પહોંચી ગયું છે. ગોલ્ડ ડીલર્સ, સોની તેમજ માર્કેટ એક્સપર્ટ જો યુદ્ધ લાંબુ ચાલશે તો સોનાના ભાવમાં હજૂ પણ વધારો જોવા મળશે તેમ કહી રહ્યા છે.
વૈશ્વિક વિપરીત અસરોઃ અગાઉ રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થયું ત્યારે પણ સોનાની કિંમતમાં વધારો નોંધાયો હતો. તે સમયે સોનાની કિંમતમાં સીધો જ 800થી 1000 રુપિયા જેટલો વધારો જોવા મળ્યો હતો. અત્યારે હમાસ અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને પરિણામે આ ભાવમાં 2થી 3 હજારનો વધારો જોવા મળી રહ્યો છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો સોનાનો ભાવ 75,000ની આસપાસ પણ જઈ શકે છે. સોનાની કિંમતમાં વધારો થવાનું બીજું પણ મહત્વનું કારણ છે. જેમાં ડોલર સામે રુપિયો નબળો થઈ રહ્યો છે તેના પરિણામે પણ સોનાની કિંમતમાં વધારો થઈ રહ્યો છે.
થોડા સમય અગાઉ સોનાની કિંમત 58,000 થી 60,000ની વચ્ચે હતી. અત્યારે હમાસ ઈઝરાયલ યુદ્ધને લીધે સોનુ ઓલટાઈમ હાઈ 64,000 પર પહોંચી ગયું છે. લગ્નગાળો અમારા માટે ગોલ્ડન સીઝન ગણાય છે પણ ભાવ વધારાને લીધે સોનાની ખરીદીમાં 40થી 50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. લગ્ન માટે જરુરી એવું સોનુ લોકો ખરીદી રહ્યા છે પણ ઈન્વેસ્ટમેન્ટ કરનારા લોકો હજૂ પણ ભાવ ઓછો થાય તેની રાહ જોઈ રહ્યા છે. બજારમાં હાલ સોનાની ખરીદી પર બ્રેક વાગી છે...ભાયાભાઈ સાહોલિયા(પ્રમુખ, ગોલ્ડ ડીલર્સ એસોસિયેશન, રાજકોટ)