રાજકોટઃ કોરોના વાઈરસની મહામારીના કારણે લોકડાઉન લાગુ કરાયું છે. જે દરમિયાન કેટલાક અસામાજિક તત્વો ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરી રહ્યા હોવાની ઘટના રાજકોટમાં સામે આવી છે.
રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ મથક વિસ્તારમાં આવેલા પરસાણા નગર શેરી નંબર-1માં રહેતા હિતેશ રામભાઈ દેવાણી નામનો ઈસમ પોતાના મકાનમાં સોસાયટીના લોકો અને અન્ય બહારના લોકોને ભેગા કરીને તીનપત્તિનો જૂગાર રમાડતો હતો. જેને લઈને પોલીસ દ્વારા બાતમીના આધારે આ રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો તેમજ અહીં એક સાથે 9 લોકોને જૂગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ સાથે જ પોલીસે રોકડ રૂપિયા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે એવામાં અસામાજિક તત્વો પણ બેફામ થયા છે. જેને લઈને રાજકોટ પોલીસમાં પણ દોડધામ જોવા મળી રહીછે.