રાજકોટ: ધોરાજી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદી વાતાવરણ છે. ત્યારે ધોરાજી શહેરના પંચનાથ મહાદેવ મંદિર તરફ જવાના રસ્તા પર આવેલી સફૂરા નદીમાં ભારે વરસાદના કારણે ઘોડાપુર આવ્યું છે. આ ઘોડાપૂરને જોવા અને તેમને માણવા માટે લોકો ઉમટી પડ્યા હતા. જીવના જોખમે પાણીના પ્રવાહમાં નહાવા પણ પડ્યા હતા. આ સાથે જ પંચનાથ મહાદેવ મંદિર જવાનો રસ્તો પાણીના પ્રવાહને કારણે બંધ થઈ ચૂક્યો છે. જ્યારે મંદિર પરિસરની અંદર પણ વરસાદી પાણી ભરાઈ જતા ભગવાન શંકરની શિવલિંગ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. ભગવાનને કુદરતી જળ અભિષેક થયો હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે.
દરવાજા બે ફૂટ ખોલવામાં: રાજકોટ સહિત જિલ્લા ભરની અંદર રવિવારે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. ત્યારે રાજકોટના ધોરાજીમાં આ સિઝનનો કુલ 30 ઇંચ જેટલો અત્યાર સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યા છે. અહિયાં ભારે વરસાદને લઈને ઘોરાજી પંચનાથ મહાદેવ મંદિરની સફૂરા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આ દ્રશ્યને નિહાળવા તેમજ નદીમાં નહાવા માટે લોકો જોખમ સાથે નહાતા હોય તેવું સામે આવ્યું છે. રાજકોટ નાયબ કાર્યપાલક ઇજનેર ગુણવત્તા નિયમન પેટા વિભાગ, રાજકોટ સિંચાઈ વર્તુળ તરફથી મળેલ સૂચના અનુસાર, ભારે વરસાદને કારણે ધોરાજી તાલુકાના ભુખી ગામ પાસે આવેલ ભાદર-2 ડેમમાં સાંજે છ વાગ્યે છ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા.
સંપૂર્ણ પાણીમાં ગરકાવ: હાલ પાણીની આવક અને જાવક 15520 ક્યુસેક છે. ધોરાજી તાલુકાના ભોળા, ભોળા ગામડા, છાડવાવદર, સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા સહિતના ગામો તથા ઉપલેટા શહેરના લોકોએ નદીના પટમાં અવરજવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને મામલતદારની યાદીમાં જણાવાયું છે. રાજકોટના ધોરાજી શહેરમાં આવેલી સફુરા નદી ભારે વરસાદના કારણે ગાંડી તુર બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ધોરાજીની અંદર ધોધમાર વરસાદના કારણે સમગ્ર પંથક ની અંદર બે ઇંચથી લઈને પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું સામે આવતા અહિયાં પાંચમી વખત સફુરા નદી બે કાંઠે વહેતી થઈ હતી. પંચનાથ મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે.
જીવના જોખમે: અહિયાં ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું છે. પંચનાથ મહાદેવ મંદિર જવાનો રસ્તો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. તો બીજી તરફ પંચનાથ મહાદેવ મંદિર પરિસર અને ભગવાન શંકરની શિવલિંગ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. ત્યારે કુદરતી જળાભિષેક થયો હોય તેવું પણ સામે આવ્યું છે. ભારે વરસાદ બાદ આવેલા ઘોડાપૂરમાં લોકો જીવના જોખમે નહાતા હોય તેવા પણ દ્રશ્ય ધોરાજી શહેરની સફૂરા નદીમાં સામે આવ્યા છે.