રાજકોટઃ કોરોના વાઈરસની મહામારીમાં દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉનમાં પણ લોકો હરિફરી શકે એવા હેતુથી નકલી પાસ કઢાવતા હતા. જે નકલી પાસ કાઢવાનું કૌભાંડ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે.
રાજકોટના જામનગર રોડ પર આવેલા જંકશન પ્લોટ વિસ્તારમાં રાજવીર સ્ટુડિયોમાં કલેક્ટર કચેરી દ્વારા કાઢી આપવામાં આવતા ઓરિજનલ પાસ જેવા જ ડુપ્લીકેટ પાસ કાઢી આપવાનું કૌભાંડ ચલાવવામાં આવતું હતું. જેને લઈને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજવી સ્ટુડિયોમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને 13 જેટલા બનાવટી પાસ સાથે સ્ટુડિયો સંચાલક અમિત મોટવાણી નામના શખ્સની ધરપકડ કરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ કૌભાંડમાં અન્ય 17 લોકો સામેલ છે. આ તમામ લોકોની પોલીસે અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરમાં લોકડાઉન સમયે સેવાકીય સંસ્થાઓ અને જે લોકોને જરૂરિયાત કામ હોય તેવા લોકોને પાસ કાઢી આપવામાં આવે છે.
આ ઓરિજનલ પાસની કોપી કરીને કેટલાક લેભાગુ તત્વો દ્વારા નજીવી રકમ લઈને આવા નકલી પાસ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. જે અંગેનું ધ્યાને આવતા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 17 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.