રાજકોટ : દિવાળીના તહેવારના બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે. એવામાં દિવાળીને લઈને ઠેર ઠેર બજારમાં રોનક જોવા મળી રહી છે. જ્યારે મીઠાઈની દુકાન હોય કે ફરસાણની દુકાન હોય લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. એવામાં આજે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના પરાબજાર વિસ્તારમાં મુખવાસની દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યાંથી અંદાજિત 1000 કિલો કરતા વધારે કલરયુક્ત ભેળસેળવાળો મુખવાસ મળી આવ્યો છે.
મુખવાસમાં મોટા પ્રમાણમાં કલર મળ્યો : લોકો જેને હોંશે હોંશે ખાવાના હતાં તેવા આ મુખવાસમાં કલરની માત્રા ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળી છે. જેને લઇને ફૂડ વિભાગની ટીમ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે ફૂડ વિભાગના અધિકારી હાર્દિક મહેતાએ મીડિયા સાથેની વાતચીતમાં માહિતી આપી હતી.
અમે આ મુખવાસની તપાસ કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ કલર વધુ પ્રમાણમાં જોવા મળ્યો હતો. જેને લઇને અમે આ મુખવાસને પાણીમાં નાખ્યો હતો. જેમાંથી મોટા પ્રમાણમાં કલર છૂટો પડતો જોવા મળ્યો હતો. જ્યારે આ મુખવાસમાંથી જે પણ કલર મળી આવ્યો છે તે ખૂબ જ હાર્ડ પ્રકારનો કલર છે. જેના લઈને હાલ આ તમામ મુખવાસને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ત્યારબાદ તેનો નાશ કરવામાં આવશે...હાર્દિક મહેતા (ફૂડ વિભાગના અધિકારી)
ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ : શહેરના પરા બજાર વિસ્તારમાં મેઇન રોડ ઉપર અમૃત મુખવાસ નામની દુકાન આવેલી છે. જ્યાં ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન દુકાનમાંથી ઘણી બધી ગેરરીતિઓ સામે આવી છે. જ્યારે દુકાનમાં અલગ અલગ 25 જેટલા પ્રકારના મુખવાસ જોવા મળ્યાં હતાં. આ મુખવાસનું ચેકિંગ કરતા સામે આવ્યું છે કે અહીંયા એક એક કિલોના અલગ અલગ પેકેટ રાખવામાં આવ્યા હતાં. આ પેકેટની ઉપર કોઈપણ પ્રકારની મેન્યુફેક્ચરિંગ ડેટ કે એક્સપાયરી ડેટ રાખવામાં આવી નહોતી.
મોટી માત્રામાં ભેળસેળ પકડાઇ રહી છે : કાયદાકીય કાર્યવાહી બાદ 1 હજાર કિલો કરતા વધુ મુખવાસનો નાશ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજકોટમાંથી મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત પનીર, મલાઈ અને વાસી મીઠાઈ બનાવવા માટેનો માવો ઝડપાયો હતો. જ્યારે હવે રાજકોટમાંથી મોટા પ્રમાણમાં હાનિકાલક કલર યુક્ત મુખવાસ ઝડપાયો છે. જેને લઇને ચકચાર મચી જવા પામી છે.