રાજકોટ ગઇકાલે રાજકોટની જસાણી સ્કૂલમાં ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિનીના મોત મામલે પરિવારજનોએ શાળા પર ગંભીર આરોપ લગાવ્યો છે. ધોરણ આઠની વિદ્યાર્થિનીને ઠંડી લાગવાથી અચાનક ધ્રુજારી ઉપાડયા બાદ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થિનીને સારવાર અર્થે રાજકોટ શહેરની દોશી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જોકે ત્યાં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે રાજકોટ ડીઇઓ દ્વારા કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી હતી.
આ પણ વાંચો Rajkot Jasani School: રાજકોટમાં ધોરણ 8માં ભણતી બાળકીના મોત મામલે પરિવારજનોના ગંભીર આક્ષેપ
જસાણી સ્કૂલની ઘટના રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલી જસાણી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી રિયા કિરણકુમાર સાગર નામની વિદ્યાર્થિનીનું ચાલુ ક્લાસે મોત થયું હતું. જે બાદ મામલો ગરમાયો હતો. ત્યારે આ વિદ્યાર્થિનીના પરિવારજનો દ્વારા વિદ્યાર્થીનીનું ઠંડીના કારણે મોત થયાનું આક્ષેપ કર્યો હતો. જે મામલે શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ સમગ્ર મામલે રાજકોટ NSUI દ્વારા પણ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ હવે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓના સમયમાં ફેરફાર માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
શાળાના સમય માટે પરિપત્ર જાહેર કરાયો રાજકોટ જિલ્લાના શિક્ષણ અધિકારી બી એસ કૈલાએ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવ્યું છે કે રાજકોટ જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના આચાર્યોને હાલની કોલ્ડવેવની પરિસ્થિતિને લઈને સવારની શાળાનો સમય એક કલાક મોડો અથવા 08:00 વાગ્યા પછી રાખવો. તેમજ આપની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિવેકપૂર્ણ રીતે બાળકોને ઠંડી સામે રક્ષણ મળે તે રીતે બાળકોનું આરોગ્ય સચવાય તેમજ શિક્ષણકાર્યને પણ અસર ન થાય રીતે સૂચના આપવામાં આવે છે. જ્યારે આ સૂચનાનો અમલ આગામી 21 જાન્યુઆરી 2023 સુધી કરવાનો રહેશે.
આ પણ વાંચો Rajkot Jasani School : રાજકોટની આ શાળામાં વિદ્યાર્થિનીનું ચાલુ કલાસે મોત, ડીઇઓએ રીપોર્ટ માગ્યો
યુનિફોર્મ સાથે ગરમ વસ્ત્રો પહેરવાની છૂટ પરિપત્રમાં સાથે જિલ્લા શિક્ષણ અધિકારીએ એ પણ જણાવ્યું છે કે શાળાએ આવતા વિદ્યાર્થીઓને શાળાના યુનિફોર્મની સાથે અન્ય ગરમ વસ્ત્રો પણ પહેરવાની શાળાના બાળકોને છૂટ આપવી પડશે. તેમજ જ્યાં સુધી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ મામલે કોઈ નવી સૂચના જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી શાળાઓનો સમય રાજકોટ જિલ્લામાં સવારે 8 વાગ્યાનો રહેશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ધોરણ 8ની એક વિદ્યાર્થિનીનું મોત થતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ત્યારે હવે આ મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.