- નાળામાંથી મળ્યો અજાણ્યા યુવકનો મૃતદેહ
- પોલીસે મૃતકના વાલી વારસોની શોધખોળ હાથ ધરી
- મૃતકના શરીર પર સારવાર દરમિયાન જોવા મળતો કાપો જોવા મળ્યો
રાજકોટ: રાજકોટના જ્યુબિલી ગાર્ડન પાસેના શાક માર્કેટ નજીક એક નાળુ આવેલું છે. રાજકોટના એ ડિવિઝન પોલીસમથકને આ નાળામાં એક મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા પોલીસ કર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. યુવક પાસેથી તેની ઓળખ થઈ શકે તેવા કોઈ પુરાવા ન મળતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરી છે.
મૃતક હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ભાગી છૂટ્યો હોવાની આશંકા
પોલીસને મૃતકના શરીર પર પેટના ભાગે અંદાજિત 7 ઈંચનો એક કાપો જોવા મળ્યો હતો અને તેમાં એક નળી પણ મૂકવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું. આ પરથી મૃતક પર તાજેતરમાં જ કોઈ ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું તેમજ તે કોઇક હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ભાગી છૂટ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.