રાજકોટ: કોરોના બાદ રાજ્યમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેક આવવાની સંખ્યામાં વધારો થયો છે. રાજકોટમાં બીજી વખત ધોરણ 12ના વિદ્યાર્થીનું ચાલુ ક્લાસ દરમિયાન મોત થયું છે. શહેરના શાસ્ત્રી મેદાન નજીક આવેલી લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ચાલુ ક્લાસે ઢળી પડ્યો હતો. તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
હાર્ટ એટેકથી મૃત્યુની આશંકા: આ વિદ્યાર્થીનું હાર્ટ અટેકના કારણે મોત થયાની આ શંકા સેવાઈ રહી છે. એવામાં વિદ્યાર્થીનું ચાલુ ક્લાસે મોત થતા શાળા તેમજ વિદ્યાર્થીના પરિવારજનોમાં પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે. જ્યારે લાલા બહાદુર શાસ્ત્રી સ્કૂલની ઘટનાના CCTV વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
કિશોર ચાલુ ક્લાસે ઢળી પડ્યો: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના લાલ બહાદુર શાસ્ત્રી શાળામાં ધોરણ 12માં કોમર્સમાં અભ્યાસ કરતો મૃદિત અક્ષયભાઈ નડિયાપરા નામના વિદ્યાર્થી આજે સવારે પોતાના નિત્યક્રમ મુજબ ક્લાસમાં અભ્યાસ કરી રહ્યો હતો. એ દરમિયાન તે અચાનક ઢળી પડ્યો હતો. તેમજ જમીન ઉપર પડ્યો હતો. વિદ્યાર્થી જમીન ઉપર ઢળી પડતા સ્કૂલ પ્રશાસન દ્વારા તેને પ્રાથમિક સીઆરપી સહિતની સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તેને 108માં બેભાન અવસ્થામાં જ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ફરજ પર રહેલા તબીબોએ આ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો.
પીએમ બાદ મોતનું કારણ આવશે સામે: હાલ આ વિદ્યાર્થીની બોડીનું પીએમ કરાઈ રહ્યું છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ વિદ્યાર્થીનું મોત કયા કારણોસર થયું તેનો સ્પષ્ટ ખ્યાલ આવશે. મૃતક વિદ્યાર્થીના પિતા સિવિલ હોસ્પિટલમાં જ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે.
'અમારી શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતો મૃદિત અક્ષયભાઈ નળિયાપરા નામનો વિદ્યાર્થી સવારે 11 વાગ્યાની આસપાસ ચાલુ ક્લાસે ચક્કર આવતા બેભાન થઈ ગયો હતો અને જમીન ઉપર બેસી ગયો હતો. સ્કૂલમાં આ પ્રકારની ઘટના સામે આવતા 108ને પણ બોલાવવામાં આવી હતી અને આ વિદ્યાર્થીને સ્થળ ઉપર પંપીંગ સહિતની સારવાર આપવામાં આવી હતી. વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વિદ્યાર્થીને વધુ સારવાર મળે તે પહેલા જ તેને મૃત જાહેર કર્યો હતો.' -મગનભાઈ ફળદુ, શિક્ષક
અગાઉ પણ શાપર ખાતે બની હતી ઘટના: શિક્ષકે વધુમાં જણાવ્યું કે મૃદિત લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં ધોરણ 12બીમાં અભ્યાસ કરતો હતો અને ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીઓ હતો. જ્યારે વિદ્યાર્થીએ કોઈ દિવસ કોઈ પણ બીમારીની ફરિયાદ કરી નહોતી. ઉલ્લેખનીય છે કે ધોરણ 12ના વિદ્યાર્થીઓનું ચાલુ ક્લાસે મોત થયાની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે. આ અગાઉ શાપર વેરાવળમાં પણ ધોરણ 10ના વિદ્યાર્થી પણ સ્ટેજ નજીક ઢળી પડવા બાદ તેનું પણ મોત નીપજ્યું હતું. ત્યારે નાની ઉંમરના લોકોમાં હવે હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવ્યા બાદ તે ચિંતાનો વિષય બન્યો છે.