અમદાવાદ: ગુજરાતમાં ઉતરાયણનો તહેવાર ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. આ તહેવારમાં પતંગ ઉડાવા માટે કેટલાક લોકો ચાઈનીઝ દોરી ,નાયલોન દોરી અને કાચ પાયેલી દોરીનો ઉપયોગ કરે છે. જેનાથી ઘણા લોકોના જીવ જાય છે. આ મામલે વર્ષ 2016માં ગુજરાત હાઇકોર્ટમાં ચાઈનીઝ દોરી, ગ્લાસ કોટેડ કોટન દોરી, સિન્થેટિક દોરી અને આગ માટે જવાબદાર ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધની માંગ સાથે જાહેર રીટની અરજી દાખલ કરવામાં આવી હતી. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
50 સંગ્રાહકો અને 404 વેચાણકર્તાં સામે કાર્યવાહી: ગુજરાત હાઇકોર્ટના ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેંચમાં આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. તે દરમિયાન સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું કે, કોર્ટની સૂચના અને નિર્દેશ મુજબ પોલીસની કામગીરી અંતર્ગત 9 થી 12 જાન્યુઆરી સુધીના 4 દિવસમાં પ્રતિબંધિત દોરીના 50 સંગ્રહકો અને 404 વેચાણકર્તાં વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને કુલ 609 FIR અને 612 લોકોની અટકાયત કરવામાં આવી છે.
23.75 લાખનો મુદ્દામાલ જપ્ત: આ મામલે અમદાવાદમાં 5, સુરતમાં 54, વડોદરામાં 35 અને રાજકોટમાં 3 ફરિયાદ થઈ છે. કુલ 23.75 લાખનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે સૂચના અને જાહેરાતો સુધારવાની કામગીરી શુક્રવારના રોજ પૂર્ણ કરવામાં આવી હતી. તદુપરાંત ગ્લાસ કોટેડ દોરી પરના પ્રતિબંધની જાણ અનેક માધ્યમો થકી જાહેર જનતાને કરવામાં આવી હતી.
પ્રતિબંધિત દોરીની અરજી પર સુનવણી: આ મામલે કોર્ટે નોંધ્યું કે, આ પ્રતિબંધિત દોરીની સુનાવણી સપ્ટેમ્બર માસમાં થતી યોગ્ય છે. તેનાથી પ્રતિબંધિત દોરી પર યોગ્ય અમલીકરણ થઈ શકે. પ્રતિબંધિત દોરીની અરજી પર સુનાવણી છેલ્લી ઘડીએ સંભળાવવામાં આવી હતી. તેમાં કોન્ક્રીટ પ્લાન લઈને અમલીકરણ કરવામાં આવે છે. આ મામલે અગાઉ સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, ઉતરાયણના તહેવારને લઈ રોજ સાંજે DGP મીટીંગ કરે છે. એની સાથે રાત્રે 8:00 થી 1:00 કલાક દરમિયાન પતંગ બજારમાં પ્રતિબંધિત દોરી અને ચાઈનીઝ તુક્કલ અંગે ચેકિંગ કરવામાં આવે છે. અને 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી સાંજે 6:00 વાગ્યાથી રાત્રિ 1:00 વાગ્યા સુધી પતંગ બજારોમાં તપાસ કરવામાં આવે છે.
આ પણ વાંચો: