નર્મદા: આજે ઉત્તરાયણ પર્વે સૂર્યનો ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. તેથી આ દિવસે લોકો પતંગ ચગાવીને ઉજવણી કરે છે. આ દિવસે ખાસ કરીને સમગ્ર ભારતમાં તેમજ ગુજરાતમાં આ તહેવારને લોકો ઉજવી રહ્યા છે. આકાશમાં કાયપો છે, લપેટની બૂમો સાંભળવા મળે છે. ત્યારે આ તહેવારે કેટલીક પરંપરાઓ પણ જોડાયેલી છે. તેવી જ એક અનોખી પરંપરા નર્મદા જિલ્લાના આદિવાસી સમુદાયમાં જોવા મળે છે. આ દિવસે ભાઈ પોતાની બહેન અને ભાણેજોને શેરડી અને બોરનું દાન કરે છે.
ઉત્તરાયણ પર્વે આદિવાસી સમાજની પરંપરા: ઉત્તરાયણના પર્વ પર તલ અને ગોળના દાનનો અનેરો મહિમા રહેલો છે. મહાદેવને ચીક્કી ચઢાવવામાં આવે છે. પરંતુ નર્મદા જિલ્લામાં આદિવાસી પરિવારો આર્થિક રીતે સક્ષમ ન હોવાથી પોતાની પરંપરા જાળવી રાખવા અને સંબંધની મીઠાશ યથાવત્ત રાખવા માટે શેરડી અને બોરનું દાન કરે છે. આદિવાસી સમાજમાં એક એવી માન્યતા પ્રચલિત છે કે, ઉત્તરાયણના દિવસે બહેન અને ભાણેજોને શેરડી અને બોરનું દાન કરવાથી 100 બ્રાહ્મણને દાન આપ્યા સમાન છે, તેમજ આ દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે.
રાજપીપળાની બજારમાં લોકોની ખરીદી: તલ અને ગોળ ન ખરીદી શકતા આદિવાસીઓ પોતાના બહેન અને ભાણેજોને શેરડી અને બોરનું દાન કરીને આ દિવસને સાર્થક કરે છે. વળી એક માન્યતા પ્રમાણે શેરડીમાં રહેલી મીઠાશની જેમ જ બહેન અને ભાણેજોમાં સમગ્ર વર્ષ દરમ્યાન મીઠાશ પ્રસરી રહે, તે માટે પણ શેરડીનું દાન કરવામાં આવે છે અને તેને કારણે જ રાજપીપળાના બજારોમાં આજે આદિવાસીઓ મોટી સંખ્યામાં શેરડી ખરીદતા નજરે પડ્યા હતા.
આ પણ વાંચો: