રાજકોટ: સ્વાતંત્ર્ય પર્વ એટલે કે તારીખ 15મી ઓગસ્ટ આગામી દિવસોમાં આવનાર છે. જેને લઇને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. આ તિરંગા યાત્રામાં અંદાજીત 20,000 લોકો જોડાય તેવી શક્યતાઓ છે. રાજકોટ કોર્પોરેશન દ્વારા આ માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સાથે જ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કોર્પોરેશન દ્વારા રાજકોટના તમામ વોર્ડમાં ઘરે ઘરે તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એવામાં 15 મી ઓગસ્ટની રાજકોટમાં ભવ્યથી ભવ્ય ઉજવણી થાય તે પ્રકારનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.
"તિરંગાની ઉજવણી રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ થાય તે પ્રકારનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જ્યારે સમગ્ર દેશમાં તારીખ 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાજકોટમાં પણ હર હર તિરંગાનું ખૂબ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ 14 ઓગસ્ટે રાજકોટમાં તિરંગા યાત્રા યોજાનાર છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું છે. જે તમામ ઘર કોર્પોરેશનો હસ્તકની બિલ્ડીંગ અને સરકારી બિલ્ડીંગમાં તિરંગા લગાડવામાં આવશે. જ્યારે લોકોમાં દેશભક્તિ વધુમાં વધુ જાગે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે"-- પ્રદીપ ડવે (રાજકોટ મેયર)
2 લાખ જેટલા તિરંગાનું કરાશે: વિતરણમેયર પ્રદીપ ડવે વધુમાં જણાવ્યું હતું, કે હર હર તિરંગા અભિયાન અંતર્ગત રાજકોટમાં કોર્પોરેશન દ્વારા અંદાજિત બે લાખ કરતા વધારે તિરંગાનું વિતરણ કરવામાં આવનાર છે. આ સાથે જ 14 ઓગસ્ટના દિવસે રાજકોટમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. જે સવારે 9:00 કલાકે શરૂ થશે. તેમજ આ તિરંગા યાત્રા રાજકોટના બહુમાળી ચોક નજીક આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુથી શરૂ થશે. અને જુબેલીબાગ ચોક નજીક આવેલા ગાંધીજીના સ્ટેચ્યુ ખાતે પૂર્ણ થશે. આ તિરંગા યાત્રામાં અંદાજિત 15 થી 20 હજાર લોકો જોડાય તે પ્રકારનું આયોજન કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે તિરંગા યાત્રાને લઈને શહેરના અલગ અલગ રાજમાર્ગો પર તિરંગાઓ લગાવવામાં આવ્યા છે. તેમજ રાજકોટમાં તારીખ 15 ઓગસ્ટની ભવ્યથી ભવ્ય ઉજવણી થાય તે માટે કોર્પોરેશન તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.