રાજકોટ : બાગેશ્વર ધામ સરકાર એવા ધીરેન્દ્ર શાસ્ત્રી તારીખ 1 અને 2 જૂનના રોજ રાજકોટની મુલાકાતે હતા. ત્યારે તારીખ 1 જૂનના રોજ રાજકોટના એક યુવાન સાથે છેતરપિંડી કરીને તેની પાસેથી બાબા બાગેશ્વરે રૂપિયા 13000 પડાવી લીધા હોવાની પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. જે મામલે હવે આ અરજી પાછી ખેંચવામાં આવી છે.
રાજકોટ પોલીસમાં અરજી : જોકે અરજી કરનાર યુવક હેમલ વિઠ્ઠલાણીને રાજકોટ બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા પૈસા પરત ચૂકવવામાં આવતાં તેના દ્વારા અરજી પાછી ખેંચવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બાગેશ્વર ધામ વિરુદ્ધ રાજકોટમાં યુવક દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવતા શહેરભરમાં ચકચારમાંથી જવા પામી હતી. જોકે હવે આ મામલો શાંત પડ્યો છે.
મેં આ ઘટના બની તેના બીજા દિવસે આયોજક સમિતિને પૈસા પરત કરવાની માંગણી કરી હતી પરંતુ તેમને પૈસા આપ્યા નહોતા. ત્યારબાદ મેં પોલીસને અરજી કરી હતી જોકે આયોજક કમિટી દ્વારા મને પરત પૈસા આપવામાં આવતા મેં આ અરજી પાછી ખેંચી લીધી છે... હેમલ વિઠ્ઠલાણી (અરજીકર્તા)
યુવાને બાબા પર લગાવ્યા હતા ગંભીર આરોપો : રાજકોટના રેસકોર્સ પાર્ક નજીક રહેતા હેમલ રમેશભાઈ વિઠલાણી નામના યુવકે 2 જુનના તારીખના રોજ રાજકોટ પોલીસ મથકમાં અરજી કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે 1 જૂન રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડ ખાતે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાયો હતો. જે દરમિયાન બાબા બાગેશ્વર વિવિધ શ્રદ્ધાળુઓ સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. એવામાં એક શ્રદ્ધાળુને મંદિર બનાવવા માટે પૈસાની જરૂર હોય, ત્યારે બાબા બાગેશ્વરે તમામ લોકો પાસેથી પૈસાની માંગણી કરી હતી. જેમાં મને પણ પોતાની પાસે રહેલા તમામ પૈસા આપી દેવાનું કહ્યું હતું. જેના કારણે મેં મારી પાસે રહેલા પૈસા આપી દીધા હતા. જ્યારે આ ઘટના વખતે હું ખૂબ જ ડરી ગયો હતો અને બાબાએ મને હિપ્નોટાઈઝ કરી દીધો હતો. જેના કારણે પૈસા આપ્યા હતા પરંતુ આ પૈસા મને પાછા આપવામાં આવ્યા નહોતાં.
આયોજકોએ યુવાનને પૈસા આપ્યા : જ્યારે આ યુવાન દ્વારા પૈસા મામલે પોલીસમાં અરજી કરવામાં આવી હતી. જે વાત મીડિયામાં પણ સામે આવી હતી. ત્યારબાદ તાત્કાલિક રાજકોટ બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા આ યુવકને બોલાવવામાં આવ્યો હતો અને તેના રૂ.13 હજાર પરત આપવામાં આવ્યા હતા. જેના કારણે યુવક દ્વારા પોલીસ મથકમાંથી અરજી પાછી ખેંચવામાં આવી હતી. ઉલ્લેખનીય રાજકોટમાં બાબા બાગેશ્વર વિરુદ્ધ પોલીસ મથકમાં અરજી કરવામાં આવતા આ વાત ચર્ચાનો વિષય બની હતી.