રાજકોટઃ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિ સિંહ ગોહિલ આજે રાજકોટની મુલાકાતે હતા. તેમણે સર્કિટ હાઉસમાં રોકાણ દરમિયાન મીડિયા બ્રીફિંગ કર્યુ હતું. જેમાં તેમણે અયોધ્યા રામ મંદિરમાં થનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું હતું. કૉંગ્રેસ પક્ષને પણ 22મી જાન્યુઆરી પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જેનો કૉંગ્રેસે અસ્વીકાર કર્યો છે. આ અસ્વીકાર પાછળનું કારણ અને ભાજપનો એજન્ડા શક્તિ સિંહે જણાવ્યો હતો.
પોલિટિકલ ઈવેન્ટઃ શક્તિ સિંહ ગોહિલના મતે અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા ભાજપની એક પોલિટિકલ ઈવેન્ટ છે. કામના નામે મત નહી મળે તે બીકે ભાજપ પ્રભુ શ્રી રામનું નામ વટાવીને વોટ લેવા માટે આ કાર્યક્રમને પોલિટિકલ ઈવેન્ટ બનાવી રહી છે તેમ શક્તિ સિંહે જણાવ્યું હતું. તેમણે હિન્દુ ધર્મની પવિત્ર વિધિનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે હિન્દુ ધર્મના સર્વોચ્ચ પદે બિરાજતા શંકરાચાર્યે રજૂ કરેલ નિવેદનનો હવાલો આપ્યો હતો. શંકરાચાર્ય જણાવે છે કે જે મંદિરનું નિર્માણ પૂર્ણ ન થયું હોય તેમાં કોઈ પણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે. આ હકીકતનો હવાલો આપતા શક્તિ સિંહે ભાજપ દ્વારા કરવામાં આવતી પ્રાણ પ્રતિષ્ઠાને ધર્મની અસંગત ગણી હતી.
રામનવમી શ્રેષ્ઠ તિથિઃ શંકર સિંહે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે રામનવમી શ્રેષ્ઠ તિથિ છે તેમ જણાવીને ભાજપના ચૂંટણીલક્ષી એજન્ડાનો આક્ષેપ કર્યો હતો. લોકસભા ચૂંટણી સામે છે ત્યારે ભાજપ રામના નામે વોટ લેવા આ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કરી રહી છે. તેમણે પ્રભુ શ્રી રામમાં આખી કૉંગ્રેસ અને દરેક નાગરિકને શ્રદ્ધાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ભગવાનના દર્શન માટે આમંત્રણની જરુર નથી. રાહુલ ગાંધી દરેક મંદિરોમાં વિના આમંત્રણે જતા હોવાનું જણાવ્યું હતું. રાહુલ ગાંધી ગુજરાત આવે ત્યારે વગર આમંત્રણે દ્વારકાધીશ મંદિરે દર્શને જાય છે. કૉંગ્રેસમાં આંતરિક લોકશાહી જીવંત છે અને પાર્ટી હાઈકમાન્ડનો આદેશ દરેક કાર્યકર્તા માને છે કોઈ પાર્ટી લાઈનથી બહાર જઈને વર્તતું નથી તેમ પણ શક્તિ સિંહ ગોહિલે જણાવ્યું હતું.
કામના નામે મત નહી મળે તેથી ભાજપ રામના નામે વોટ લેવા માટે આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ઈવેન્ટ બનાવી રહી છે. ભાજપની ઈવેન્ટમાં અમે ન જઈ શકીએ. રામનવમીના દિવસે આ કાર્યક્રમ થઈ શકે તેમ છે પરંતુ સામે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેથી ભાજપે આ કાર્યક્રમની તારીખ વહેલી રાખી છે. રાહુલ ગાંધી પણ ગુજરાત આવે ત્યારે દ્વારકાધીશ મંદિરમાં વિના આમંત્રણે દર્શને જાય છે...શક્તિ સિંહ ગોહિલ(કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ, ગુજરાત)