રાજકોટઃ સમગ્ર ભારતમાં લોકડાઉનનો બીજો તબક્કો અંતિમ ચરણોમાં ચાલી રહ્યો છે, ત્યારે કોરોના જેવા ભયંકર રોગની સામેની આ લડાઈને યુદ્ધથી જરા પણ ઓછી આંકી ન શકાય અને આ લડાઈનાં યોદ્ધાઓ એટલે ફ્રન્ટ લાઈનમાં પોતાના પરિવાર કે પોતાના જીવની ચિંતા કર્યા વિના હંમેશા લોકોની સેવામાં તત્પર રહેતા તબીબો, મેડિકલ સ્ટાફ તથા પોલીસ વિભાગના હિંમતવાન અધિકારીઓ તથા તમામ પોલીસ કર્મીઓ તથા આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકો ઉલ્લેખનીય છે.
કે, આ કઠીન પરિસ્થિતિઓમાં આ મહામારીનો સામનો કરવા માટે જીવના જોખમે પોતાના પરિવાર કે જીવની ચિંતા કર્યા વિના રાત-દિવસ ખડેપગે રહે છે. તેવા પોલીસ વિભાગની વાત કરવી છે. અત્યાર સુધી લોકોએ પોલીસનાં કઠોર રૂપને જ નિહાળ્યું હતું, પરંતુ આ વિકટ પરિસ્થિતિઓમાં સમગ્ર ભારતમાં અનેક સ્થળે પોલીસે પોતાના કોમળ હૃદયમાંથી નીકળતી એક સેવાકીય ભાવનાઓના પણ દર્શન કરાવ્યાં.
એક બાહોશ અધિકારીની કે જેઓ ભારત સરકારની અત્યંત કઠીન ગણાતી UPSCની પરીક્ષામાં સફળ થઈને ગુજરાત રાજ્યની IPS કેડરમાં નિયુક્ત થયા અને હાલમાં રાજકોટ જિલ્લા પોલીસનાં જેતપુર ડીવીઝનનાં મદદનીશ પોલીસ અધીક્ષક ASP તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તેવા IPS સાગર બાગમાર છેલ્લાં એક મહિનાથી વધુ સમયથી સમગ્ર ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારથી દરેક ધંધા-રોજગારને ખુબ ફટકો પડ્યો છે.
આવી પરિસ્થિતિમાં રોજનું કમાઈને રોજનું પેટપોષણ કરતા લોકોને જીવન નિર્વાહ કરવામાં અત્યંત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત જે લોકોનું આ જગતમાં કોઈ નથી અને યોગ્ય શારીરિક ક્ષમતા ન હોવાના કારણે પોતે રોજી-રોટી મેળવી શકતા નથી તેઓ ખુબ ચિંતિત બન્યાં છે.
જેતપુર ડિવીઝનમાં મદદનીશ પોલીસ અધીક્ષક ASP સાગર બાગમાર દ્વારા પોતાના કાર્ય વિસ્તારમાં પોતાના પોલીસ સ્ટાફ સાથે મળીને આવા અત્યંત નબળી પરિસ્થિતિ ધરાવતા ગરીબ પરિવારો, વૃદ્ધ દંપતીઓ તથા વિધવા મહિલાઓની માહિતી મેળવીને તેઓને સરળતાથી જીવન નિર્વાહ થઇ શકે તેવી વ્યવસ્થા કરાવવામાં આવી હતી. જેથી જે પરિવારોને જેતપુર પોલીસનાં આ અભિગમ દ્વારા સહાય કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે, આજે અમે ખાખી વર્દીમાં ભગવાનને જોયા છે.
ASP સાગર બાગમારે જણાવ્યું હતું કે, હાલમાં જ્યારે સમગ્ર ભારત મુશ્કેલીમાં છે, ત્યારે આપણે જરૂરિયામંદોની મદદ કરવીએ આપણો ધર્મ છે અને આ કાર્ય માટે તેઓ ફક્ત નિમિત બન્યા હોવાની વાત તેમને કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું.
આ કાર્ય કરવાનો વિચાર જ્યારે જેતપુર પોલીસને આવ્યો ત્યારથી અમારા પોલીસ સ્ટાફનાં કર્મચારીઓ દ્વારા આવા પરિવાર અથવા ની:સહાય વિધવા મહિલાઓની મદદ કરવા માટે એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેને અનુસંધાને અમોએ આશરે 15 જેટલા પરિવારના ઘર સુધી રાશન કીટ પહોંચાડીને તેમની જઠરાગ્ની ઠારવાનો પ્રયત્ન કર્યો હતો.