- દિવ્યેશ કાલાવડીયા અને હિતેશ વિરુદ્ધ 4.73 કરોડની ઠગાઇની ફરિયાદ નોંધાઇ
- પોલીસ તપાસમાં ઠગાઈનો આંક 50 કરોડથી વધુ હોવાનો પોલીસનું અનુમાન
- ક્રેડિટ કો-ઓપરેટીવ મલ્ટી સ્ટેટ સોસાયટી નામથી પેઢી શરૂ કરી
રાજકોટઃ શહેરમાં વધુ એક છેતરપીંડીનો બનાવ સામે આવ્યો હતો. માસિક 10 ટકા વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ગણતરીના દિવસોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી નાણા કબજે કરવા તજવીજ હાથ ધરી હતી. 110 જેટલા રોકાણકારોએ સમય ટ્રેડિંગ અને આશિષ કોર્પોરેટિવના ચેરમેન પ્રદીપ ધાનેરા તેમજ તેના પાર્ટનર દિવ્યેશ કાલાવડીયા અને હિતેશ વિરુદ્ધ 4.73 કરોડની ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી.
છેતરપિંડીના સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા
છેતરપિંડીના સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. કૌભાંડનો મુખ્ય સૂત્રધાર પ્રદીપ ખોડાભાઈ ડાવેરા રોકાણકારોને શેરબજારમાં માસિક 10 ટકા વળતરની લાલચ આપી રોકાણ શરૂ કરાવ્યું હતું. ધીમે ધીમે રોકાણકારોની સંખ્યા વધવા લાગતા તેણે રૈયા ટેલીફોન એક્સચેન્જ નજીક સમય ટ્રેડિંગ નામથી પેઢી શરૂ કરી હતી અને શીતલ પાર્ક નજીક ધ સ્પાયર બિલ્ડિંગમાં ક્રેડિટ કો-ઓપરેટીવ મલ્ટી સ્ટેટ સોસાયટી નામથી પેઢી શરૂ કરી હતી.
આ પણ વાંચોઃ વલસાડમાં SMPL કંપની સામે 33 લાખની છેતરપીંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ
રોકાણકારોને 11 મહિના સુધી વળતર આપી,વધુ નાણાં રોકે તેવી લાલચ અપાઇ હતી
રોકાણકારોને 11 મહિના સુધી વળતર આપી તેઓ વધુ નાણાં રોકે તે પ્રકારની લાલચ આપવામાં આવતી હતી. ત્યારે રોકાણકારોને વળતર કે મૂડી પરત નહીં આપતા પોલીસમાં અરજી કરવામાં આવી હતી. જે અરજીના આધારે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ માગવામાં આવશે. જેથી રિમાન્ડ દરમિયાન કૌભાંડિયાઓએ કેટલી છેતરપિંડી કરી અને નાણાનું કઈ કઈ જગ્યાએ રોકાણ કર્યું છે. તે મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરશે. હાલ પોલીસ તપાસમાં ઠગાઈનો આંક 50 કરોડથી વધુ હોવાનો પોલીસનું અનુમાન છે.