રાજકોટ : બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી મળેલ સૂચના અનુસાર ઉપલેટા બાર એસોસિયેશનના 2023-24 પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી અને સેક્રેટરી પદ માટે ચૂંટણીનું વિધિવત આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી પ્રક્રિયા માટે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે ઉમેદવારી નોંધાયા બાદ ઉપપ્રમુખ, ખજાનચી અને સેક્રેટરી બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે પ્રમુખ પદ માટે બે ઉમેદવારો મેદાને હતા, જેમાં યુવા એડવોકેટ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે.
ઉપલેટા બાર એસોસિએશન ચૂંટણી : આ અંગે ઉપલેટા બાર એસોસિએશન ચૂંટણી કમિશનર એડવોકેટ પરાગ બોઘાણીએ જણાવ્યું છે કે, ઉપલેટા બાર એસોસિયેશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઉપપ્રમુખ તરીકે એડવોકેટ નિશિત કાલાવાડીયા, સેક્રેટરી તરીકે એડવોકેટ નિમિત પાનસરા અને ખજાનચી તરીકે એડવોકેટ ભાલચંદ્રરાવ મેકમહુ બિનહરીફ જાહેર થયા હતા.
ઉપપ્રમુખ-સેક્રેટરી બિનહરીફ : ચૂંટણી કમિશનર પરાગ બોઘાણીએ વધુમાં જણાવ્યું કે, પ્રમુખ પદ માટે ત્રણ જેટલા ઉમેદવારોએ ફોર્મ નોંધાવ્યા હતા. જેમાંથી એડવોકેટ રમેશ મહેતાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડીયા અને એડવોકેટ કિશોર રાણીંગા એમ બે ઉમેદવાર વચ્ચે પ્રમુખ પદ માટે મતદાન યોજાયું હતું. ત્યારે આ મતદાન પ્રક્રિયામાં ઉપલેટા બાર એસોસિએશન 110 જેટલા એડવોકેટ પૈકીના 97 જેટલા વકીલોએ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
પ્રમુખ પદ માટે જંગ : આ અંગે ઉપલેટાના સિનિયર એડવોકેટ દિલીપ જોશીએ જણાવ્યું છે કે, ઉપલેટા બાર એસોસિએશનના 2023-24 ના પ્રમુખની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. જેમાં ઉપલેટા બાર એસોસિએશનના એડવોકેટ દ્વારા મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ચૂંટણી કમિશનર દ્વારા મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી કરતા પ્રમુખની વરણી કરવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયા તેમજ મતદાન અને પરિણામની સમગ્ર પ્રક્રિયા ખૂબ શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. મતદાન અંગે ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.
નવા પ્રમુખ કોણ ? સિનિયર એડવોકેટ દિલીપ જોશીએ વધુમાં કહ્યું કે, સવારથી શરૂ થયેલ મતદાનમાં બપોર સુધીમાં 50 % જેટલું મતદાન થઈ ચૂક્યું હતું. જ્યારે બપોર બાદ બાકીના એડવોકેટ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. આ મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી કમિશનર એડવોકેટ પરાગ બોઘાણીએ મતગણતરી હાથ ધરી હતી. મતગણતરી પૂર્ણ થયા બાદ ઉપલેટા બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડીયાની પસંદગી થઈ છે.
કોને કેટલા મત મળ્યા ? ઉપલેટા બાર એસોસિએશનના પ્રમુખ પદના ઉમેદવારોમાં એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડીયાને 58 મત મળ્યા છે. જ્યારે ઉમેદવાર સિનિયર એડવોકેટ કિશોર રાણીંગાને 38 મત મળ્યા છે. જ્યારે એક મત ફેલ જાહેર કરવામાં આવ્યો હતો. આ મત ગણતરી બાદ એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડીયા 20 મતથી 2023-24 ના ઉપલેટા બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે પસંદગી પામતા સૌ કોઈએ તેમને શુભેચ્છાઓ તેમજ શુભકામનાઓ પાઠવી હતી. ત્યારે આ ચૂંટણી પૂર્ણ થતાં ઉપલેટા બાર એસોસિએશન દ્વારા સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.