રાજકોટઃ જિલ્લામાં ગત 24 કલાકમાં સાર્વત્રિક પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના મોટા ભાગના જળાશયો છલોછલ ભરાયા છે, ત્યારે કોટડાસાંગાણી તાલુકાના નાના માંડવા ગામે ભારે વરસાદના કારણે વાડી વિસ્તારમાં ફસાયેલા એક જ કુટુંબના 6 સભ્યોને ગામના સરપંચ અને ગામ લોકોની જાગૃતિ, સતર્કતા અને ત્વરીત કામગીરીએ બચાવ્યા છે.
આ અંગે પાણીમાં ફસાયેલા જોરૂભાઇએ જણાવ્યું હતું કે, ગત 24 કલાકમાં પડેલા ભારે વરસાદને કારણે કોટડા સાંગાણીના નાના માંડવા ગામ અને સીમ વિસ્તાર વચ્ચે આવેલી ઉતાવળી નદીમાં પાણીનું વહેણ જોખમી બનતા તેમના કુટુંબના સભ્યો અંગે ગામના જાગૃત સરપંચે મામલતદારને ફોનના માધ્યમથી જાણ કરી હતી. જેથી બચાવ ટીમ નાના માંડવા આવવા રવાના થઇ હતી, પરંતુ મદદ પહોંચતા સમય થતાં સરપંચે સતકર્તા દાખવી ગામના યુવાનોએ એકઠા કર્યા હતા. ત્યારબાદ ગામના 30 જેટલા બહાદુર યુવાનોએ જીવના જોખમે રસ્સાની મદદથી નદીના સામાકાંઠે પહોંચી તેમને બચાવ્યા હતા.
વધુમાં તેમણે જણાવ્યું કે, તેમનો બચાવ કર્યા બાદ ગામના સરપંચે પોતાના ઘરે તેમના જમવાની વ્યવસ્થા પણ કરી હતી.