આ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે વીરપુર તેમજ આજૂબાજૂના ગામડાઓમાંથી કુલ 15થી 20 હજાર બ્રાહ્મણો તેમજ તેમના પરિવારજનોને આમંત્રણ પાઠવીને એમને બ્રહ્મચોર્યાશી કરાવવામાં આવશે. જેમાં હોટલ કે બુફે સ્ટાઇલથી નહીં, પરંતુ પારંપરિક ભારતીય શૈલીને અનુસરીને તમામ ભુદેવોને ખાસ આગ્રહ કરીને ભોજન પીરસવામાં આવશે.
મોરારી બાપુની રામ કથાના આયોજન માટે ૨૫થી ૩૦ હજારની બેઠક ધરાવતો એક વિશેષ વિશાળ જર્મન ડોમ બનાવવામાં આવ્યો છે. દ્વિશતાબ્દી મહોત્સવમાં શ્રધ્ધાળુઓના રોકાણ માટે ૩થી ૪ હજાર મુલાકાતીઓ માટે વયજૂથના આધારે એમને વીરપુરના જુદાજુદા ગેસ્ટહાઉસ ફાળવવામાં આવ્યાં છે, વધારે સખ્યાં થઈ જશે તો ખોડલધામ ખાતે વધારાના બે ગેસ્ટહાઉસ પણ બુક કરવામાં આવ્યાં છે, વૃદ્ધ અથવા બીમાર લોકોને શક્ય એટલી વધુ સગવડો પુરી કરવામાં આવે એવા પ્રયાસો છે. આ ઉપરાંત કથા સ્થળથી સાવ નજીક હજારથી બારસો લોકોનો સમાવેશ થઈ શકે તેવા ઉતારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત એસટી દ્વારા વીરપુર અન્નક્ષેત્ર દ્વિ શતાબ્દી મહોત્સવ માટે વધારનારી બસોથી માંડી આજુબાજુના ગામડાઓમાંથી વીરપુર લેવા-મુકવા જેવી ટ્રાન્સપોર્ટેશન સુધીની તમામ વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત મોરારી બાપુના કથા મંડપમાં કદાચ સૌ પહેલીવાર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 21 જાન્યુઆરીએ નામાંકિત ગાયિકા એશ્વર્યા મજમુદાર અને ત્યાર બાદ 23મી જાન્યુઆરીએ સુફી સંગીતમાં જાણીતા ગાયિકા રિચા શર્મા વીરપુર પધારી શ્રદ્ધાળુઓને ભાવ ભક્તિ ભર્યા સંગીતનું રસાપન કરાવશે.