પોરબંદર: કોરોના વાઇરસના પગલે લોકડાઉન-3 લાદી દેવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતના અનેક લોકો અન્ય રાજ્યોમાં અને અન્ય રાજ્યોના અનેક લોકો ગુજરાતમાં ફસાયા છે. લોકડાઉન દરમિયાન પોરબંદરમાં પણ મધ્ય પ્રદેશના લોકો ફસાયા છે. જેથી તેમણે ગુરુવારે ETV BHARATના માધ્યમથી સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે.
મધ્ય પ્રદેશના ઉમેશ સિંહ ભદોરીયા, ધર્મેન્દ્ર સિંહ ભદોરીયા, ગિરિરાજ વૈરાગી, મનીષ વૈરાગી, આકાશ ભદોરીયા વેગેર લોકોએ વતન જવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ તમામ પ્રકારનો વાહન વ્યવહાર બંધ હોવાથી અને સરકાર દ્વારા જાહેર કરાયેલી ઓનલાઈન રજીસ્ટ્રેશન અંગે ગૂંચવણ હોવાથી આ લોકો પોરબંદરમાં ફસાયા છે. જેથી બુધવારે રાત્રિ દરમિયાન આ લોકો પગપાળા મધ્ય પ્રદેશ જવા નીકળ્યા હતા અને રાણાવાવ ગામના ભોદ પાટીયા પાસે પોલીસે તેમને અટકાવી પરત પોરબંદર મોકલી આપ્યા હતા.
ETV BHARAT દ્વારા આ લોકોની મૂલાકાત લેતા જાણવા મળ્યું હતું કે, આ લોકોને 1,077 પર ફોન કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. જ્યાંથી આ પરપ્રાંતિયોને એક અધિકારીનો નંબર આપવામાં આવ્યો હતો અને નગરપાલિકા ઓફિસે આધારકાર્ડ લઈને રજીસ્ટ્રેશન કરવા જણાવ્યું હતું.