પોરબંદર: શહેરમાં આવેલી મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંગળવારના રોજ જીલ્લામાં વિવિઘલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા 10 ગરીબ પરિવારની બેહનોને અધિકારીઓ દ્વારા સિલાઈ મશીનના વિતરણ કરવામાં આવ્યા હતા.
દરેક બહેનોને સોશિયલ ડિસ્ટન્સ સાથે એકત્ર કરી મુલાકાત ગોઠવવામાં આવી હતી. જેમાં આ બેહનોને અશક્ત અને અસમર્થ મહિલાઓની સ્થિતિ, તેમના માટે સરકારની યોજનાઓ જેવીકે, વિધવા સહાય યોજના, અંત્યેષ્ટિ મરણોતર સહાય, સંકટ મોચન યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજનાની માહિતી મહિલા અને બાળ અધિકારી અને જીલ્લા મહિલા શકિત કેન્દ્રના કર્મચારીઓ અને સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા વિસ્તૃત રીતે સમજાવવામાં આવી હતી. સાથે તેમને આર્થિક રીતે પગભર થઇ શકે તે માટે પરિવારને ટેકો આપી શકે તે માટે સિલાઈ મશીનના વિતરણ કરવામાં આવ્યા હતા. મહિલા અને બાળ વિભાગ દ્વારા મહિલા કલ્યાણ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રસારિત થયેલા કાર્યક્રમ મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ આવતા તમામ કર્મચારીઓ દ્વારા નિહાળવામાં આવ્યો હતો.