પોરબંદર : ક્રિકેટ રમત દરેક લોકોની પ્રિય રમત બની છે ત્યારે નોર્મલ પ્લેયરો દ્વારા રમાતી ક્રિકેટ બાદ હવે વહીલચેર ક્રિકેટ માટે પણ દિવ્યાંગ ક્રિકેટરો આગળ આવી રહ્યા છે અને ઉત્સાહભેર ક્રિકેટમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે આગામી 4 અને 5 માચૅ દરમિયાન કોલકાતાના પ્રગતિ સિંઘ ગ્રાઉન્ડ પર વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પુરા ભારતભરના બેસ્ટ વ્હીલચેર ક્રિકેટરોનું સિલેક્શન થયું છે. આ ટુર્નામેન્ટનું આયોજન વ્હીલચેર ક્રિકેટ ઇન્ડિયા એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં પોરબંદરના બેરણ ગામના ક્રિકેટર ભીમા ખૂંટીની પસંદગી કેપ્ટન તરીકે કરાઇ છે.
બંને ટીમનું સિલેક્શન : નેશનલ ટુર્નામેન્ટના પરફોર્મન્સના આધારે કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટમાં બે ટીમો ભાગ લઇ રહી છે. બંને ટીમોની પસંદગી નેશનલ ટુર્નામેન્ટના પરફોર્મન્સને જોઇનેે કરવામાં આવ્યું છે. સામાન્યરીતે ઈન્ડિયા એ અને ઇન્ડિયા બી ટીમો રમતી હોય છે તેવી જ રીતે આમાં એક ટીમનું નામ ઇંડિયન ગ્લેડીયેટર્સ તેમજ બીજા ટીમનું નામ ઇન્ડિયન ફાઇટર્સ રાખવામાં આવ્યું છે. જેમાં ઇન્ડિયન ગ્લેડીયેટર્સ ટીમની કેપ્ટનશીપ ગુજરાતના કેપ્ટન ભીમા ખૂંટીના હાથમાં સોપવામાં આવી છે.
ભીમા ખૂટીની પ્રતિક્રિયા : ભીમા સાથે ઈટીવી ભારત સાથે વાત થઈ ત્યારે ભીમા ખૂંટી એ જણાવ્યું હતું કે આભાર માનુ છું કે વ્હીલચેર ક્રિકેટ ઇન્ડિયા એસોસિએશનનો, કે જેમણે મારા ઉપર ભરોસો મૂકી આવી મોટી જવાબદારી સોપી છે. તો વધુમાં ભીમાએ જણાવ્યું હતું કે હું બહુ જ ખુશ છું કે મને ઇન્ડિયાના ટોપ વ્હીલચેર ક્રિકેટરોની ટીમની કેપ્ટનશીપ કરવા મળશે અને ટુર્નામેન્ટમાંથી મને ઘણું શીખવા મળશે અને મારો અનુભવ મજબૂત બનશે. પોરબંદર નજીકના બેરણ ગામના દિવ્યાંગ ક્રિકેટર ભીમા ખૂંટીએ 30 જેટલી નેશનલ સિરીઝ અને ચાર ઇન્ટરનેશનલ સિરીઝ રમેલ દિવ્યાંગ ક્રિકેટર અને ગુજરાત વ્હીલચેરના કપ્તાન અનેક લોકોની પ્રેરણા બન્યા છે.
ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બે ખાસ પ્લેયર ઉપસ્થિત રહેશે : આ ટુર્નામેન્ટના મુખ્ય મહેમાન 2007માં જેઓ વર્લ્ડકપ ચેમ્પિયન ટીમના બેસ્ટ બોલર હતાં તેવા આર પી સિંહ અને ભારતના બેસ્ટ ક્રિકેટરોમાં જેમનું નામ શામેલ છે તેવા વિનોદ કાંબલી તેમજ દિલ્હી કેપિટલ્સ ટીમના સીઇઓ ધીરજ મલ્હોત્રા તેમજ ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન સોમજીતસિંહ ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો WPL 2023: આજથી ભારતીય ક્રિકેટમાં નવા યુગનો ઉદય, ગુજરાત જાયન્ટ્સ Vs મુંબઈ ઈન્ડિયન્સની મેચ
ઇન્ડિયન ગ્લેડીયેર્સના ખેલાડી : ટીમ ઇન્ડિયન ગ્લેડીયેટર્સની ટીમમાં કેપ્ટન તરીકે ભીમા ખુંટી છે તે ઉપરાંત નરેન્દ્ર બરોલીયા, રાજા બાબુ, પોશન ધ્રુવ વિકેટ કીપર તરીકે, ઉમેશ કૌશિક, ગોલુ ચૌધરી, અજય યાદવ, કમલ કાંચોલ, અકાર અવસ્થી, સુખવન્ત સિંહ અને દુષ્યંત છે.