- પોલીસ ફરિયાદ ન નોંધાતા પરિણિતાએ એસપી કચેરીએ જઇ શરીરે પેટ્રોલ છાટ્યું
- પોલીસ તટસ્થ તપાસ કરે તેવી મહિલાની માંગ
- આખરે સાસરિયાના ત્રાસ અંગે ફરિયાદ દાખલ કરાઈ
પોરબંદરઃ શહેરમાં રહેતી એક પરિણીતાને તેના પતિ સહિત સાસરિયાઓ માનસિક શારીરિક ત્રાસ આપતા હોવાથી સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે ગઇ હતી. પોલીસ મથકના પીએસઆઈ દ્વારા ફરિયાદ લેવામાં આવતી ન હતી. છેલ્લા દોઢ માસથી પરિણિતાએ ધક્કા ખાધા બાદ આખરે કંટાળીને એસપી કચેરી ખાતે શરીરે પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ બાદ આખરે મહિલાની ફરિયાદ લેવામાં આવી હતી અને સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પતિ-પત્ની વચ્ચે સમાધાન પણ થયું હતું
હાલ પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં અને મૂળ માણાવદરની રીનાબેન નામની યુવતીના લગ્ન પરેશ મગનલાલ રાયચુરા નામના યુવાન સાથે 17 વર્ષ પહેલા થયા હતા. તેના સાસુ, સસરા, ફઇજી જેઠ પહેલા પોરબંદર રહેતા હતા અને હાલ બાંટવા રહે છે. આ પરિણિતાના પતિ પરેશે લગ્ન જીવન દરમિયાન હેરાન કરી માર મારી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો. આ અંગેની ફરિયાદ માટે આ પરિણિતા 18/9/2017ના મહિલા પોલીસ મથકે પહોંચી હતી અને તે સમયે પીએસઆઇ નોયડાએ આશ્વાસન આપ્યું હતું અને તા. 22/9/2020ના ફરિયાદ અરજી લીધી હતી. બાદ પતિ પત્ની વચ્ચે સમાધાન થયું હતું.
એસપી ને મળવા મહિલાએ આજીજી કરી હતી પરંતુ એસપી મિટિંગમાં હતા
જ્યારે દોઢ માસ પહેલા તેણીના પતિએ ઘરમાં તોડફોડ કરતા 100 નમ્બર પર કોલ કરવામાં આવ્યો હતો અને મહિલા ત્યારબાદ પોલીસ મથકે પહોંચી હતા. જ્યાં 2 કલાક બેસાડી ઘરે મૂકી ગયા હતા અને સવારે ફરીથી ગયા ત્યારે કહ્યું હતું કે સાંજે આવો અને 3 કલાક બેસાડ્યા બાદ 4 દિવસ પછી આવજો તેમ જણાવી ફરિયાદ લીધી ન હતી. આમ દોઢ માસથી મહિલા પોલીસ મથકે પીએસઆઇ નોયડાએ ધક્કા ખવડાવ્યા બાદ ફરિયાદ ન લેતા આ મહિલા કંટાળીને પોતાની દીકરી સાથે 24/12/20ના રોજ બપોરે 1 કલાકે એસપી કચેરીએ પહોંચ્યા હતા. તેણીએ એસપીને મળવા આજીજી કરી હતી પરંતુ એસપી મિટિંગમાં છે એવું જણાવતા આ મહિલા સાંજે 6:45 વાગ્યા સુધી બેસી રહી હતી અને કંટાળી આ મહિલા એક પેટ્રોલપંપ સુધી પહોંચી પેટ્રોલ ખરીદી એસપી કચેરીના પટાંગણમાં પહોંચી પોતાના શરીરે પેટ્રોલ છાંટી દીધું હતું અને દીવાસળી ચાંપે તે પહેલા તેની દીકરીએ બુમાબુમ કરતા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને આ મહિલાને આત્મવિલોપન કરતા રોકી હતી અને તુરંત ડીવાયએસપી કોઠિયા આવી પહોંચ્યા હતા અને આ મહિલાની મુલાકાત એસપી સાથે કરાવી હતી. અને એસપી એ સૂચના આપતા મહિલા પોલીસ મથકના પીએસઆઇ નોયડાને બોલાવી હતી અને આ મહિલાની ફરિયાદ લઈ સાસરિયાઓ સામે ગુનો નોંધ્યો હતો અને તપાસ હાથ ધરી છે.
પોલીસ તટસ્થ તપાસ કરે તેવી મહિલાની માંગ
પરિણિત રિનાબેને એવું પણ જણાવ્યું હતું કે, સગર્ભા બન્યા બાદ ડિલિવરી માટે પિયર માણાવદર ગઈ હતી અને મેં દીકરીને જન્મ આપ્યો હતો. મારા પતિએ પૂછ્યું કે શું આવ્યું છે. અને તેને ખબર પડી કે દીકરીનો જન્મ થયો છે. ત્યારે જ તેણે કહ્યું હતું કે, માટે તું અને તારી દીકરી બન્ને જોતા જ નથી. એમ કહી ચાલ્યા ગયા હતા. મારા પતિ અને સાસરિયાઓનો ત્રાસ અંગે આખરે કંટાળીને આત્મવિલોપન જેવો પ્રયાસ કર્યો હતો. પોલીસ તટસ્થ તપાસ કરે તેવી માંગ કરી હતી.
અમે તો ફરિયાદ લેતા હતા મહિલાએ ફરિયાદ નથી કરવી તેવું કહ્યું હતું : પીએસઆઈ
મહિલાએ એવું કહ્યું હતું કે, ફરિયાદ નથી કરવી. અમે તો ફરિયાદ લેતા હતા. મહિલાએ એવું કહ્યું હતું કે, મારા પતિ પાસેથી મને ઘર ખર્ચના રૂપિયા આપવો. જે અમારું કામ નથી. અમે અગાવ અરજી લીધી હતી અને 151 પણ કરેલી છે. તેના સમાજ લેવલે પણ કાઉન્સેલિંગ ચાલુ હતું. અમારી પાસે આ મહિલાનું ફરિયાદ ન કરવી તેવું નિવેદન છે અને વીડિયો રેકોર્ડિંગ પણ રાખ્યું છે.