પોરબંદરઃ છેલ્લા કેટલાક દિવસોથી જૂનાગઢ અને ઘેડ વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે, તેમજ અતિભારે વરસાદને કારણે ભાદર અને પોરબંદર પંથકમાં આવેલા જળાશય તેમજ જૂનાગઢની ઓજત નદીમાં આવેલા પૂરના પાણી ઘેડ પંથકમાં એકઠું થતા ઘેડ જાણે કે સમુદ્ર મફક જળબંબાકાર થતું જોવા મળ્યું છે. જેને કારણે સોમવારના રોજ પૂરનુ પાણી વંથલી નજીક માણાવદર ધોરી માર્ગ પર ફરી વળતા વાહન વ્યવહાર બાઘીત થયો છે.
સોમવારના રોજ વંથલીથી માણાવદર વચ્ચેના રાજ્ય ધોરીમાર્ગ પર ઘેડ વિસ્તારના પૂરનું પાણી ફરી વળતા વંથલી માણાવદર અને પોરબંદર વચ્ચેનો માર્ગ વાહન વ્યવહાર ખોરવાયો હતો. માર્ગ પર પાણી ભરાઇ જવાને કારણે વંથલી માણાવદર વચ્ચે ધોરીમાર્ગ પર વાહનોની લાંબી કતારો પણ જોવા મળી હતી. માર્ગ પર પાણી ભરાઇ જવાને કારણે સ્થાનિક લોકો ખેડૂતો અને ખાસ કરીને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.