પોરબંદર: જિલ્લાના ખાંભોદર ગામે પોલીસે પાડેલા દરોડા દરમિયાન 35 કિલો અને 130 ગ્રામ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. છેલ્લા લાંબા સમયથી ગાંજાનો વેપાર થતો હોવાની પોલીસને બાતમી મળતા એલસીબી પોલીસે રેડ કરી હતી. પોલીસે મોટી સાઈઝના કુલ 53 છોડવા કબજે લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોરબંદર જિલ્લામા નશીલા પદાર્થોનું સેવન અને માદક પદાર્થો વેચનારાઓ તત્વોની ગેરકાયદે પ્રવૃતી સદંતર બંધ કરવા પોલીસે કમર કસી છે. ત્યારે એસ.ઓ.જીના ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર પી.ડી.જાદવને મળેલી બાતમીના આઘારે SOGની ટીમે ખાંભોદર ગામની કોબલીયા સીમમા રહેતા મેરૂ સવદાસ ઓડેદરાની વાડીમાં દરોડા પાડ્યાં હતાં. અહીંથી SOGની ટીમને રજકાના વાવેતર સાથે ગાંજાનું વાવેતર કરાયું હોવાનું ધ્યાને આવ્યું હતું.
ખાંભોદર ગામની કોબલીયા સીમમાં રહેતા 49 વર્ષીય મેરૂભાઈ સવદાસભાઈ ઓડેદરાએ પોતાની વાડીમાં ઉગાડેલ ગાંજાના 53 નંગ છોડ સહિત કુલ 35 કિલો અને 130 ગ્રામ ગાંજાના છોડ જપ્ત કર્યા છે. આ ગાંજાની કિંમત 3 લાખ 51 હજાર 300 રૂપિયાની આસપાસ થાય છે. હાલ તો આરોપી સાથે તમામ મુદ્દામાલ એકત્ર કરીને બગવદર પોલીસે સ્ટેશનમાં N.D.P.S. એકટની ૧૯૮૫ ની કલમ ૮-(બી), ૨૦(બી)(૨)(સી) મુજબ ગુન્હો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વપૂર્ણ છે કે, પોરબંદરનો બરડો વિસ્તાર નશાના માદક પદાર્થ માટે કુખ્યાત છે, બરડા ડુંગરમાં પોલીસ સરળતાથી ન પહોંચી શકે તેવી જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે, ત્યારે થોડા દિવસો પહેલા પણ પોલીસે દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી. બરડા અને ઘેડ પંથકમાં ઘણા ગામો એવા છે, જ્યાંથી ઘણી વખત દેશી દારૂ અને ગાંજા જેવા માદક પદાર્થો ઝડપાઈ ચુક્યો છે.