- સ્વિડનની સરકારે મહેર પરિવારને ‘હાઇ સેરિફ એવોર્ડ’થી સન્માનીત કર્યા
- 4 દાયકાથી સ્વીડન ખાતે વસતા મહેર પરિવારે લોકડાઉનમાં લોકોને ભોજન પહોંચાડ્યું
- આ પરિવાર પોતાના ઘરે જ ભોજન બનાવીને લોકો સુધી ભોજન પહોંચાડતો હતો
પોરબંદરઃ પંથકના મહેર સમાજના લોકો માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ સેવાકાર્યોની સરવાણી વહાવીને ગાંધી ભૂમિને ગૌરવ બક્ષી રહ્યા હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં મૂળ પોરબંદર પંથકના તથા ચાર દાયકાથી સ્વીડન ખાતે વસતા એક મહેર પરિવારે કોરોના લૉકડાઉન દરમિયાન સ્વીડનના લોકોને સ્વખર્ચે હાથે રાંધીને ભોજન પુરૂ પાડીને વિશિષ્ટ સેવાકાર્ય કર્યુંં હોવાથી સ્વીડનની સરકારે આ પરિવારને ‘હાઈ સેરિફ એવોર્ડ’થી સન્માનિત કર્યા છે. મૂળ પોરબંદર પંથકના અમર ગામના તથા વર્ષોથી સ્વીડન ખાતે રહેતા રામ કારાવદરા અને તેમના પત્ની ઉલ્લાસબેન, પુત્રી ઉષા અને નિશા તથા પુત્ર અનિલે અનોખું સેવાકાર્ય કોરોનાના લોકડાઉનમાં કર્યું હતું.
ડોકટર, પોલીસ, નર્સિંગ સ્ટાફ વગેરે ફ્રન્ટ લાઈન વર્કરોને દિવસો સુધી પોતાના ઘરેથી જ ભોજન બનાવીને સ્વખર્ચે જમાડયા
ટ્રાન્સ્પોર્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા આ પરિવારે મહેર સમાજના રોટલાને ઊજળો કરી બતાવ્યો છે. સ્વીડનમાં લોકડાઉન દરમિયાન આ પરિવારે ડોક્ટર, પોલીસ, નર્સિંગ સ્ટાફ વગેરે ફ્રન્ટલાઇન વર્કરોને દિવસો સુધી પોતાના ઘરેથી જ ભોજન બનાવીને સ્વખર્ચે જમાડયા હતા. વિદેશની ધરતી ઉપર રહીને મહેર સમાજની ‘મહેર સમાજનું મન અને રોટલો મોટો’ની ઉક્તિને સાર્થક કરીને જે સેવાકાર્ય યોજ્યું હતું તે બદલ સ્વીડનનું સર્વોચ્ચ સન્માન ‘હાઈ સેરિફ એવોર્ડ’થી આ પરિવારને સન્માનિત કરવામાં આવ્યો છે.
કોઈ પાસેથી એક પણ રૂપિયાનો ફાળો લીધો ન હતો
રામ કારાવદરાએ જણાવ્યું હતું કે, તેમણે કોઈ પાસેથી એકપણ રૂપિયાનો ફાળો નથી લીધો. પોતાના ઘરે જ ભોજન બનાવીને પરિવારના સભ્યોએ જ આ ભોજન પહોંચાડયું હતું. સરકાર સાથે ટાઈઅપ કરીને જે કોઈ ફ્રન્ટલાઈન વર્કરની જરૂરિયાત હોય તે પ્રમાણેનું ભોજન તેમણે અને તેમના પરિવારજનોએ પુરૂ પાડયું હતું.
પોરબંદર પંથકના મહેર સમાજના પરિવારો સેવા કાર્યો દ્વારા ગાંધી ભૂમિની ગરિમાને અને મહેર સમાજનું નામ ઉજળું કરી રહ્યા છે
આમ, વિદેશની ધરતી ઉપર પણ પોરબંદર પંથકના મહેર સમાજના પરિવારો સેવા કાર્યોની સરવાણી દ્વારા ગાંધી ભૂમિની ગરિમાને અને મહેર સમાજનું નામ ઉજળું કરી રહ્યા છે ત્યારે સૌ કોઈએ આ પરિવારને બિરદાવ્યો છે. સ્વીડનમાં દૈનિક હજારો કોરોના પોઝિટિવ કેસ જાહેર થતા હતા અને લોકો ઘરની બહાર નીકળતા પણ ડરતા હતા. આવા સંજોગોમાં મહેર સમાજના આ પરિવારે પોતાના જીવની પરવાહ કર્યા વગર ફ્રન્ટલાઇન કોરોના વર્કરોને ઓનડ્યૂટી જયાં હોય ત્યાં જઈને નિ:શુલ્ક ભોજન પુરૂ પાડીને તેમના જઠરાગ્નિ ઠારી છે. આવી કામગીરી ભાગ્યે જ કોઈ કરી શકે છે.