- રમેશ ઓઝાએ ભક્તોને સમજાવ્યું વસંત પંચમીનું મહત્વ
- વસંત પંચમીના દિવસે હરિ મંદિરમાં અન્નકૂટ દર્શન
- મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના
પોરબંદરઃ આજે મંગળવારે વસંત પંચમી એટલે કે સરસ્વતી પૂજાનો દિવસ છે. પોરબંદરના શ્રી હરી મંદિર સાંદિપની આશ્રમના કથાકાર રમેશભાઈ ઓઝાએ શ્રી હરિ મંદિરમાં અન્નકૂટ ભોગ અર્પણ કરી મધ્યાહનમાં આરતી કરી હતી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોના પોઝિટિવ થયા છે, ત્યારે તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

રાષ્ટ્રીય કથાકાર રમેશ ઓઝા એ વસંત પંચમીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આજે વસંત ઋતુનું આપણે સ્વાગત કરીયે છીએ. વસંત ઋતુ એ ભગવાનની વિભૂતિ છે. વસંત ઋતુથી એક નવી આહલાદ, ઉમંગ અને ઉત્સાહ જીવનમાં પ્રગટે છે. એ આહલાદ ઉમંગ અને ઉત્સાહ એ જીવનનો પ્રાણ છે. એ જો રહે તો જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળે અને નવું કરવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે. જેને ધર્મમાં શ્રદ્ધા છે વિશ્વાસ છે તેમના જીવનમાં વસંત ઋતુ સકારાત્મકતા લાવે છે.

કોરોનામાંથી મુક્ત થઈ મુખ્યપ્રધાન ફરી સેવાકાર્યમાં લાગે તેવી પ્રાર્થના કરતા કથાકાર

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે વિજય રૂપાણી જલ્દી કોરોનામાંથી મુક્ત થાય અને સ્વસ્થ બની ફરી લોકસેવામાં પરત ફરે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કથાકાર રમેશ ઓઝાએ કરી હતી. હાલ કથાકર રમેશ ઓઝાના મુખેથી તારીખ 13-02-2021થી 21-02-2021 સુધી રામ કથાનું આયોજન કરાયું છે.