પોરબંદરઃ જિલ્લાના કુતિયાણા તાલુકામાં આવેલા પસવારી ગામમાં અઠવાડિયા પહેલા ભાદર નદીમાં પાણીનું વહેણ આવ્યું હતું. તે પૂરમાં ખેડૂતનો એક બળદ ફસાયો હતો. તેનેબચાવવા માટે જીવને જોખમમાં મૂકી પાણીમાં ગયેલા રામભાઈ ભાટીની તસ્વીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી.
પસવારી ગામના ખેડૂત રામભાઈ ભાટીની ઉંમર 75 વર્ષ છે, પરંતુ શરીર એટલું મજબૂત છે કે આજે પણ ખેતીકામમાં જીવન વિતાવે છે અને પ્રભુ ભજન કરે છે. ખેડૂતનો સાચો સંગાથી બળદ છે. રામભાઈને બે બળદ છે જેમાં એક જાંબો અને બીજો ધોળિયો બળદ જે છેલ્લા 6 વર્ષથી રામભાઈની સાથે છે. ગામની ભાદર નદીના કાઠે તેનું ખેતર આવેલું છે અને આજે અનેક લોકો રામભાઈના બળદ પ્રત્યેના પ્રેમને જોઈને સલામ કરી રહ્યા છે.
રામભાઈ ઇટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બળદ મારા જીવ છે અને આખો દિવસ તેઓની સાથે રહું છું. વહેલી સવારે એ સંકેત આપીને મને ઉઠાડે છે અને આખો દિવસ સાથે હોવાથી અમારી સાથે આત્મીયતા બંધાઈ ગઈ છે. બળદ મારા પરિવારના સભ્યો હોય તેવું જ હવે લાગે છે.
ઘણા ખેડૂતો ખેતી માટે ટ્રેકટરનો ઉપયોગ કરે છે. પરંતુ રામભાઈ જણાવ્યું હતું કે, ટ્રેક્ટરમાં સંવેદના નથી હોતી અને ધ્વનિ પ્રદૂષણ અને હવા પ્રદૂષણ ટ્રેક્ટર ફેલાવે છે, પરંતુ બળદની મદદથી ખેડૂતો સમૃદ્ધ બને છે અને પરિવારમાં પણ ખુશીનો માહોલ બની રહે છે. રામભાઈ બાળપણથી જ દિવસમાં ભોજનમાં માત્ર બાજરાનો એક રોટલો અને છાસ જ ખાય છે તે તેમના ફિઝિકલ ફીટનેસ હોવાનું રહસ્ય છે.
રામભાઈ ખેડૂતોને સંદેશો આપતા જણાવ્યું કે, બળદ એક ખેડૂતનો જીવ છે જેના કારણે ખેડૂતો સમૃદ્ધ બને છે. પરંતુ ઘણા ખેડૂતો બળદ નકામો થઈ જાય ત્યારબાદ છોડી દે છે. એમની સાથે આવું ન કરવું જોઇએ. આ ઉપરાંત રામભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોએ ટ્રેક્ટર છોડી ખેતી માટે બળદનો ઉપયોગ કરવો જોઇએ.