પોરબંદરઃ શ્રી બાબડેશ્વરના આચાર્ય દ્વારા ઉપસ્થિત મહાનુભાવો, ટ્રસ્ટી ગણ, વાલીશ્રઓ અને પૂજ્ય ભાઈ સાથે પ્રાર્થનાપૂર્વક દીપપ્રજવલન કરીને આચાર્યએ સૌ મહાનુભાવોનું પુષ્પગુચ્છ સાથે શાબ્દિક સ્વાગત કરીને કાર્યક્રમનો મંગલ પ્રારંભ કર્યો હતો.કાર્યક્રમના પ્રારંભમાં પૂજ્ય ગુરુજી શ્રીકૃષ્ણ મિશ્રાજીના 31 વર્ષ દરમ્યાન સાંદીપનિ વિધાનિકેતન પોરબંદરમાં કરેલી અનન્ય સેવા સાધનાને ઘનશ્યામભાઈ મહેતા,મેનેજીંગ ટ્રસ્ટી મધુભાઈ મહેતા, ડૉ.ગૌરીશંકરભાઈ જોષી અને ઋષિષિકુમાર અભિષેક,ધાર્મિક અને મૌલિક એ પોતાના વકતવ્ય દ્વારા બિરદાવી હતી અને વ્યકિતગત તમામ મહાનુભાવોએ ગુરુજીનું ઋણ સ્વીકારી ધન્યતા અનુભવી હતી.આચાર્ય બિપિનભાઈ દ્વારા સંસ્કૃતભાષામાં ભાવોર્મિઓને શ્લોકબદ્ધ શૈલીમાં રજૂ કરી પૂજ્ય મિશ્રાજીનું ભાવપૂજન કર્યું હતું અને સાથે-સાથે પૂજ્ય ભાઈશ્રી તેમજ ટ્રસ્ટીઓ દ્વારા બિપિનભાઈ દ્વારા રચિત શ્લોકબદ્ધ શબ્દકુસુમાંજલિના સન્માનપત્ર સાથે અનેકવિધ ઉપહારો અર્પણ કરી ગુરુજીની ભાવવંદના કરી હતી.
![a](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-01-dixant-smaroh-10018_13032020111500_1303f_1584078300_39.jpg)
પૂજ્ય મિશ્રાજીના પ્રતિભાવ
મિશ્રાજીએ પોતાના પ્રતિભાવો વ્યકત કરતા કહ્યું કે સાંદીપનિ પ્રત્યેની ભાવના, શ્રદ્ધા અને લાગણીઓથી પૂર્વજન્મથી બંધાયેલો છું તેથી જ આટલા વર્ષો સુધી પોતાના જીવનમાં આવેલી સરકારી અધ્યાપક તરીકેની અનેક તકોને ન સ્વીકારી અને સાંદીપનિને પોતાનું જીવન સમર્પિત કર્યું પૂજ્ય ગુરુજીએ જણાવ્યું કે ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુદેવો મહેશ્વર : આ શ્લોકનો ભાવ ગુરુની મહત્તા દર્શાવે છે પરંતુ તે જ ગુરુની મહાનતા છાત્રોના માઘ્યમથી થતી હોય છે અને તેથી જ ગુરુને યોગ્ય શિષ્ય પ્રાપ્ત થાય ત્યારે ગુરુની પ્રતિષ્ઠા આપોઅપ વધતી જાય છે. જેમ કે રામકૃષ્ણ પરમહંસને અનેક શિષ્યો હતા પરંતુ સાચી ઓળખ તો સ્વામી વિવેકાનંદ જેવા શિષ્ય થકી જ થઈ.
પૂજ્ય ભાઈશ્રીના આશીર્વચન
![a](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-01-dixant-smaroh-10018_13032020111500_1303f_1584078300_421.jpg)
અંતમાં પરમ પૂજ્ય સદગુરુદેવ ભાઈશ્રીએ પોતાના ભાવો વ્યકત કરતા જણાવ્યું કે મિશ્રાજી ગુરુજીની સેવાને, અનાસકિતયોગને, અનન્ય નિષ્ઠાને, સાધનાને અને શાસ્ત્રનિપુણતાને તેમજ ગુરુજીની આ કલિસમયમાં જાળવેલી પવિત્રતાને ખૂબ જ આદરપૂર્વક વખાણી અને સંસ્થા પ્રત્યેની વફાદારીના તમામ સદ્ગુણો ગુરુજીના જીવનમાં 30 વર્ષ સુધી એકરસતાપૂર્વક જોયા અને અનુભવ્યા તેનો કાયમીના માટે તમામ સાંદીપનિ પરિવારને માટે ખાસ કરીને ઋષિકુમારોને આનંદ રહેશે. પૂજ્ય ભાઈશ્રીએ વિશેષ રીતે આદરપૂર્વક આદરણીય મિશ્રાજીને પ્રાર્થના કરી કે સાંદીપનિ આપનું જ ઘર છે. અને આપની વૃદ્ધાવસ્થા સંભાળવાની પણ અમારી જવાબદારી છે તેથી જ્યારે પણ આપશ્રીની ઈચ્છા થાય ત્યારે સાંદીપનિના દ્વારા આપના માટે ખુલ્લા રહેશે અને આ સાંદીપનિના બૃહદ્પરિવારને પણ આપ વારંવાર મળતા રહો તેવી ઈચ્છા કરી હતી.સ્નાતક થયેલા ૩૨ જેટલા ઋષિકુમારો પ્રત્યે પૂજ્ય ભાઈશ્રીએ ખૂબ જ પ્રસન્નતા વ્યકત કરીને તે તમામ દીક્ષાંત ઋષિકુમારોએ આશીર્વચન પાઠવી અને તૈત્તિરીયોપનિષદ અંતર્ગત શિક્ષાવચનો તેમજ સંઘ્યાવંદન અને ગાયત્રીજપ નિત્ય થવા જ જોઈએ આદિ ઉપદેશો દ્વારા દીક્ષિત કર્યા હતા. સાથે-સાથે ઋષિકુમારોએ પણ સંસ્થા પ્રત્યે આજીવન પ્રામાણિકતા પૂર્વક વફાદાર રહેશું તેવી સંસ્કૃતભાષામાં પ્રતિજ્ઞા કરી હતી. અંતે તમામ ગુરુજનો અને દીક્ષિત થયેલા ઋષિકુમારોએ સાથે મળીને પ્રાર્થના કરીને સભાને વિરામ આપ્યો હતો. પૂજ્ય ભાઈશ્રીના પાવન સાન્નિધ્યમાં થયેલા આ દિવ્ય કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીઓ, શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના તમામ અધ્યાપકો, સેવક ઋષિકુમારો, વાલીઓ અને અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતાં.
![a](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-01-dixant-smaroh-10018_13032020111500_1303f_1584078300_722.jpg)