પોરબંદરમાં રહેતી અને ઘરકામ કરી ગુજરાત ચલાવતી 42 વર્ષની રઝિયા સીદીકભાઈ રાણીયા ત્રણ દીકરી સાથે રહે છે. પતિના છોડ્યાં બાદ ઘરની બધી જવાબદારી તેના માથે હતી. એટલે નોકરી કરવા વિદેશ જવાનો વિચાર કર્યો હતો. નડિયાદમાં આવેલા ચેતક પેટ્રોલ પમ્પ પાસેના સમર્થ કોમ્પ્લેક્ષના પહેલા માળે રહેતા પંકજભાઈ ભાઈલાલભાઈ ડાભી અને મૂળ આંધ્ર પ્રદેશના પણ હાલ મુંબઈ રહેતા સોરા સુરજ ભાઈ રાવનો સંપર્ક કરી ઓમાન જવા માટે વિદેશી વિઝા પ્રાપ્ત કર્યા હતાં. જેની ફી પેટે 20,000 રૂપિયા ભર્યા હતાં.
તારીખ 10. 3. 2019ના રોજ રજિયા બોમ્બેથી ઓમાન ગયા હતા. પરંતુ થોડા સમય બાદ તેમણે ફોનમાં જણાવ્યું હતું કે, તેમને વધુ કામ કરાવતા હતા અને હેરાન-પરેશાન કરતા હોવાથી તે બીમાર પડી ગયા હતા. સમયસર દવા પણ મળતી ન હોવાથી તે પરત આવવા માંગે છે. આમ, રજિયાએ પંકજભાઈને પણ પરત આવવાની વાત જણાવી હતી. ત્યારબાદ પંકજે સુરજના એકાઉન્ટમાં 25,000 રૂપિયા નાંખવા માટે જણાવ્યું હતું.
રજિયાએ તારીખ 19. 4. 2019ના રોજ સુરજના એકાઉન્ટમાં ઓનલાઇન 25,000 જમા કરાવ્યા હતા. ત્યારબાદ સુરજ અને પંકજે તેમના મોબાઈલમાંથી બધા જ નંબર બ્લોક કરી દીધા હતા. રજિયાએ ઘણા ફોન કર્યા પણ કોન્ટેક્ટ ન થતાં તેની સાથે છેતરપીંડી થઇ હોવાની શંકા ગઇ હતી. એટલે તેમના ભાઇએ આ ઘટના વિશે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને વિનંતી કરી હતી કે, રજિયાને ઓમાનમાંથી પરત બોલાવવામાં મદદ કરે. પરંતુ ત્યાંથી પણ કોઈ જવાબ ન મળતાં અંતે સલીમભાઈએ પોતાની માનેલી બહેનને પરત લાવવા માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેથી રજિયાના પરિવારમાં એક આશાની જ્યોત જાગી છે ત્યારે જોવાનું રહ્યું કે, પોલીસ પોતાની ફરજ નિભાવે છે કે નહીં?