- કાંધલ જાડેજાને હત્યા કેસમાં હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત
- 2005માં ભાજપના કાઉન્સિલર કેશુ નેભાની કરવામાં આવી હતી હત્યા
- NCPના બેનર પર સતત બે ટર્મથી બની રહ્યા છે વિજેતા
પોરબંદર: કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને હત્યા કેસમાં હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. પોરબંદરમાં કુતિયાણા વિધાનસભા સીટ પર સતત બે ટર્મથી ધારાસભ્ય બનતા કાંધલ જાડેજાને BJP કાઉન્સિલર કેશુ નેભા ઓડેદરા હત્યા કેસમાં હાઈકોર્ટે નીચલી અદાલતનો હુકમ માન્ય રાખ્યો છે.
નીચલી અદાલતે કાંધલ જાડેજાને નિર્દોષ ઠેરવ્યા
ગુજરાત સરકારે કાંધલ જાડેજા સામે કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. નીચલી અદાલતે કાંધલ જાડેજાને નિર્દોષ ઠેરવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, NCPના બેનર પર સતત બે ટર્મથી પોરબંદરની રાણાવાવ-કુતિયાણા બેઠક પર ગોડમધર સંતોકબહેન જાડેજાના પુત્ર કાંધલ વિજેતા બની રહ્યા છે. કાંધલ જાડેજા છેલ્લા બે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જીતાડવામાં મદદ કરી ચૂક્યાં છે.
કાંધલ જાડેજા સામે 15 કેસ છે
ગોડમધર તરીકે કુખ્યાત સંતોકબહેન જાડેજાના ચાર પુત્રો પૈકી સૌથી મોટા પુત્ર 48 વર્ષીય કાંધલ જાડેજા સામે 15 કેસ નોંધાયેલા છે. કાંધલ સામે સૌ પ્રથમ વર્ષ 1994માં કેસ નોંધાયો હતો. જેમાં કાંધલ પાસેથી પિસ્તોલ, બે રિવોલ્વર, રાયફલ અને કારતૂસ મળી આવ્યા હતા. જેમાં ખંડણી, હુમલો, છેતરપિંડી, આર્મ્સ એક્ટ સહિતના ગંભીર આરોપ લાગેલા છે. જ્યારે 15 કેસો પૈકી 10 કેસ પોરબંદર જિલ્લામાં, 3 કેસ રાજકોટ અને 2 કેસ અમદાવાદ શહેર પોલીસના ચોપડે નોંધાયેલા છે.
બે ટર્મથી જીતે છે કાંધલ જાડેજા
પોરબંદર જિલ્લાની રાણાવાવ-કુતિયાણા વિધાનસભા બેઠક પરથી વર્ષ 2012 અને 2017માં એમ બે વખત કાંધલ જાડેજા નેશનલ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે જીતી ચૂક્યાં છે. કાંધલ જાડેજા વર્ષ 2017માં યોજાયેલા રાજ્યસભાના ઈલેકશનમાં ભાજપના ઉમેદવાર અમિત શાહ અને સ્મૃતિ ઈરાની તેમજ ઓગસ્ટ-2020માં અભય ભારદ્ધાજ, રમીલાબહેન બારા અને નરહરિ અમીનની તરફેણમાં વોટિંગ કરી ચૂક્યાં છે.