પોરબંદર: હાલની કોરોના વાઈરસની સ્થિતિ સંદર્ભે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના અંતર્ગત પોરબંદર જિલ્લામાં APL-1ના કાર્ડ ધારકોને રાશન વિતરણ કરવાના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લાની આ કામગીરીમાં કુતિયાણાના ડાડૂકા ગામે સમગ્ર જિલ્લાના સદ્ધર અને સુખી પરિવારોને પણ પ્રેરણા મળે તેવું કાર્ય કરીને સૌને નવી રાહ ચીંધી છે.
રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમ મુજબ લોકોને હાલની સ્થિતિમાં રાહત મળે એ માટે APL-1ના તમામ કાર્ડધારકોને મંગળવારે તા 13 એપ્રિલથી 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો કઠોળ જેમાં ચણાદાળ અને 1 કિલો ખાંડ વિના મુલ્યે આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
પોરબંદર જિલ્લા પુરવઠા તંત્રની અપીલને ધ્યાનમાં રાખીને પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ડાડુકા ગામના તમામ પાત્રતા ધરાવતા APL-1ના પરિવારોને જરૂરિયાતમંદોને લાભ મળે એ માટે પોતાનો વિનામૂલ્યે રાશન સામગ્રીનો લાભ જતો કરવાની જાહેરાત કરી છે. ડાડુકા ગામના સરપંચ મેરામણભાઇ હુંબલના પ્રયાસોથી સમગ્ર ગ્રામજનો આ લાભ જતો કરવા સંમત થયા હતા. કોરોના વાઈરસ સામેની લડાઈમાં રાજ્ય સરકારને સહકાર આપ્યો હતો.
પોરબંદર જિલ્લા કલેક્ટર ડી. એન. મોદીએ ડાડુકા ગામના સરપંચ તેમજ ગ્રામજનોને સમાજના જરૂરિયાતમંદ લોકોને લાભ મળે, એ માટે ગ્રામજનોની આ નવી પહેલ બદલ અભિનંદન પાઠવ્યા હતા. ડાડુકા ગામને પ્રેરણાનું પથદર્શક બતાવ્યું હતું. પોરબંદર જિલ્લાના અન્ય યુવાનો તંત્રની અપીલના પગલે કોરોના વોરીયર્સ બન્યા હતા. કુતિયાણાના ગામના ભાવીસા ઓડેદરાએ પણ જણાવ્યુ હતુ કે, મારા પરિવારે આ લાભ જતો કર્યો છે, અને અન્ય જેને જરૂર નથી તેવા પરિવારોને આ લાભ જતો કરવા અપીલ કરી હતી. ચૌટાના મેરામણભાઇએ પણ લાભ જતો કર્યો હતો.
જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંકે જણાવ્યું હતું કે, જિલ્લાના 80,000 APL-1ના કાર્ડ ધારકોને લોકોને વિનામૂલ્યે રાશન સામગ્રી આપવા માટે જિલ્લાની 235 જેટલી સસ્તા અનાજની દુકાનો ખાતેથી સોશિયલ ડિસ્ટન્સ સાથે કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લાની જનતાને ખાસ અપીલ કરીને તેવા લોકોએ કે જે આર્થિક રીતે સદ્ધર છે, સરકારી નોકરીયાત છે અથવા તો ઈન્કમટેક્ષ ભરે છે, તેમને અન્ય જરૂરિયાતમંદ લોકો માટે લાભ જતો કરવા અપીલ કરવામાં આવી છે. અન્ય ગરીબ વ્યક્તિઓને દાન કરવા માટે પણ આર્થિક રીતે સદ્ધર લોકો દુકાને આવે તો ભીડ થવાની સંભાવના હોય, તંત્ર દ્વારા ગરીબ વર્ગના લોકોને પણ લાભ આપવામાં આવી રહ્યો છે. તેથી સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.