પોરબંદરઃ એક મહિના પહેલા એક ચોરે મીડિયામાં પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. પોલીસની કામગીરીને વખોડી હતી. પોલીસ બરાબર પેટ્રોલિંગ કરતી નથી એવા નિવેદન મીડિયામાં આપ્યા હતા. આ ચોરે 'ઉલટા ચોર કોટવાલ કો ડાંટે'કહેવત અનુસાર બેફામ નિવેદનો કર્યા હતા. આ ચોરની પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેણે કરેલી ચોરીની કબુલાત પણ કરાવી છે.
ચોરીનો મુદ્દામાલઃ પોરબંદરના કડછગામમાં રહેતા આશિષ કડછા નામક ચોરની ધરપકડ કમલાબાગ પોલીસે કરી છે. આ ચોરે પાંચ બાઈક તેમજ 2 તોલા સોનાની ચેનની ચોરીની કબુલાત કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીની ફરિયાદો થઈ હતી. જેથી કમલાબાગ પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે આ ચોરની ખાનગીરાહે મળેલ બાતમીને આધારે ધરપકડી કરી લીધી હતી.
ચોરીના ગુનાઓ ઉકેલવા કમલાબાગ પોલીસ સ્ટેશન સર્વલન્સ સ્કવોડ કાર્યરત હતી. આ સ્કવોડના PSI કે.એ.સાવલીયાને ખાનગીરાહે બાતમી મળી હતી કે કડિયા પ્લોટ, મફતીયા પરામાં અર્જુન પાણીના ટાંકાવાળી ગલીમાં રહેતા આશીષ લીલાભાઈ કડછાએ ચોરી કરેલ મોટર બાઈક્સ પોતાના મકાનમાં છુપાવી રાખી છે. પોલીસે મકાનની ઝડતી લીધી અને પાંચ મોટરબાઈક્સ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે...વિજયસિંહ પરમાર(PI,કમલાબાગ પોલીસ સ્ટેશન)
મોડસ ઓપરન્ડીઃ આરોપીએ ચોરી કરવા માટે પોતાના સગા સંબંધીના જ ઘર પસંદ કર્યા હતા. તે સગાના બાઈકની ડુપ્લિકેટ ચાવી બનાવી લેતો હતો. ત્યારબાદ રાત્રે સંબંધીના ઘરે જઈને ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરી આ બાઈક ચોરી લેતો હતો. તેણે સગાના ઘરેથી બાઈક ઉપરાંત દાગીના તેમજ રોકડ રકમ પણ ચોરી હોવાની કબુલાત કરી છે. આરોપીએ પોતાના સાસુના ઘરેથી જ સોનાના દાગીનાની ઉઠાંતરી કરી હતી. તેની સાસુએ પોલીસ ફરિયાદ કરાવતા આરોપીએ આ ગુનો પણ કબુલી લીધો છે.
પોલીસની કામગીરીને વખોડી હતીઃ આરોપી આશિષે થોડા દિવસ પહેલા પોતાના ઘરેથી ટાઈલ્સની ચોરી થઈ છે તેવી ખોટી વાત ઉપજાવી કાઢી હતી. તેણે મીડિયા સમક્ષ પોલીસ બરાબર પેટ્રોલિંગ કરતી નથી તેવું નિવેદન પણ આપ્યું હતું. આરોપીને ખબર નહીં હોય કે પોલીસ તેની જ ધરપકડ કરીને પોતાની શ્રેષ્ઠ ફરજપરસ્તીનું ઉદાહરણ રજૂ કરશે.